ભીલવાડા: રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં સરકારી હોસ્પિટલમાં છેલ્લા 6 દિવસમાં 5 પ્રસુતાઓના મોત નિપજતાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ તમામ મહિલાઓની ડિલિવરી ઓપરેશન દ્વારા કરવામાં આવી હતી. આ ગંભીર ઘટના અંગે હોસ્પિટલના તબીબે જણાવ્યું હતું કે, તપાસ રિપોર્ટ આવ્યા બાદ હાલ પૂરતું ઓપરેશન થિયેટર (OT) બંધ કરી દેવામાં આવ્યું છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે તમામ પ્રસુતાઓના મોતના કારણો અલગ-અલગ છે, જેમાં કોઈનું મોત હિમોગ્લોબિનની ઉણપ તો કોઈનું અન્ય બીમારીઓના કારણે થયું છે. આ મામલે સાચું કારણ જાણવા એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે.
મૃતક મહિલાઓના પરિજનોએ આ દુઃખદ ઘટના માટે સીધી રીતે તબીબોની બેદરકારીને જવાબદાર ઠેરવી છે. વધતા જતા વિવાદને પગલે મેડિકલ કોલેજના પ્રિન્સિપાલે ૬ સિનિયર તબીબોની એક તપાસ કમિટીની રચના કરી છે, જે હાલ આ સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરી રહી છે. આ મૃતકોમાં જિલ્લાના પોટલા ગામનાં ૩૨ વર્ષીય સંગીતા જીનગરનો પણ સમાવેશ થાય છે. શુક્રવારે તેમની તબિયત લથડતાં તેમને મેડિકલ આઈસીયુ (ICU)માં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કમનસીબ મોત નીપજ્યું હતું.
આ મામલે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. રાજસ્થાનના પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, ઓટીમાં ઈન્ફેક્શનનો રિપોર્ટ પોઝિટિવ હોવા છતાં સતત સિઝેરિયન ઓપરેશન કરતા રહેવા અને 30-40 ઓપરેશન વચ્ચે માત્ર 5 સર્જિકલ સેટ હોવા તે ઘોર બેદરકારી અને કથળેલી આરોગ્ય વ્યવસ્થા દર્શાવે છે. કોટા, બિકાનેર અને જોધપુર બાદ હવે ભીલવાડાની આ સ્થિતિ ચિંતાજનક છે. ગેહલોતે સવાલ ઉઠાવ્યો કે શું સરકારે રાજસ્થાનને ભગવાન ભરોસે છોડી દીધું છે? તેમણે આ ઘટનાઓની તપાસ અને યોગ્ય નિદાન માટે ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા એક એક્સપર્ટ ટીમ મોકલવાની માંગ કરી છે.
અશોક ગેહલોતના નિવેદન બાદ હોસ્પિટલ તંત્રએ બચાવ કરતા તબીબે જણાવ્યું હતું કે, પ્રસુતાઓના મોત મામલે ઈન્ફેક્શનની કોઈ જ પુષ્ટિ થઈ નથી અને ઓટીને ઈન્ફેક્શન મુક્ત રાખવા સતત સેમ્પલિંગ થાય છે. ત્રણ દિવસ પહેલા ગાયનેક ઓટીનું સેમ્પલ ફેલ આવતા તેને બંધ કરાઈ હતી. બીજી તરફ, શનિવારે ભીલવાડાના જિલ્લા કલેક્ટરે વરિષ્ઠ અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી. આ બેઠકમાં કલેક્ટરને અપાયેલી માહિતી મુજબ, બે પ્રસુતાઓના મોત કાર્ડિયાક અરેસ્ટથી અને ત્રીજીનું મોત ફેફસાની સમસ્યાથી થયું હતું. જ્યારે ચોથી મહિલાનું ઓપરેશન જ નહોતું થયું અને તે ગર્ભવતી હતી, તથા પાંચમી મહિલા પ્રસુતા ન હતી પરંતુ તેને ગાયનેક બીમારી હોવાથી તેની માત્ર પ્લાન્ડ સર્જરી કરવામાં આવી હતી.