અમદાવાદ: સમગ્ર દેશમાં રામમંદિરમાં થયેલી દાન ચોરીનો વિવાદ ખૂબ જ ચર્ચામાં છે, આ મામલે વિરોધ પક્ષ પણ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતએ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેણે રાજીવ ગાંધી ભવન ખાતે એક પ્રેસ કોન્ફરન્સ કરીને રામ મંદિરમાં થયેલી દાન ચોરીના વિવાદ પર સરકાર પર આકરા આક્ષેપ કર્યા હતા.
અશોક ગેહલોતે જણાવ્યું હતું કે શ્રીરામ મંદિર ફાળો ચોરી એ આસ્થાના નામે રાજનીતિ, ચઢાવાના નામે લૂંટ છે. ભગવાન શ્રીરામના નામે એકત્રિત કરવામાં આવેલો ફાળો પણ BJP-RSSની રાજકીય લૂંટનો ભોગ બન્યો છે. દેશના ખૂણે-ખૂણેથી ગરીબો, ખેડૂતો, મજૂરો, મહિલાઓ અને શ્રદ્ધાળુઓ પોતાની મહેનતની કમાણી, પોતાના દાગીના, પોતાની બચત અને પોતાની શ્રદ્ધા લઈને શ્રીરામ મંદિર નિર્માણ માટે આગળ આવ્યા હતા. ભાજપ, આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘ પરિવારના સંગઠનોએ આશરે ત્રણ દાયકા સુધી ભગવાન શ્રીરામના નામે રાજનીતિ કરી, દેશના ગરીબ અને મધ્યમ વર્ગ પાસેથી શ્રીરામના નામે ફાળો એકત્ર કર્યો અને આ જ આંદોલનના આધારે સત્તા મેળવી છે.
તેમણે આક્ષેપ કર્યો હતો કે આજે એ જ કરોડો રામભક્તો એ પૂછવા માટે મજબૂર છે કે ભગવાન રામના નામે એકત્ર કરાયેલો ફાળો અને ચઢાવો આખરે કોના સંરક્ષણમાં લૂંટાયો? જ્યારે ટ્રસ્ટની રચના વડાપ્રધાનની દેખરેખ હેઠળ થઈ હતી, તો આ કૌભાંડની જવાબદારી કોણ લેશે? જો બધું બરાબર હતું, તો ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા કેમ થયા? જો કંઈ ખોટું નથી થયું, તો સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ સ્વતંત્ર તપાસનો ડર શેનો છે? એ મુખ્ય સવાલો છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શ્રી રામ મંદિરમાં થયેલ ચંદા ચોરી માત્ર આર્થિક કૌભાંડ નથી. આ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા, વિશ્વાસ અને લાગણીઓ સાથે થયેલ ઘોર વિશ્વાસઘાત છે. પહેલી વખત કોઈ મંદિર આરએસએસ અને ભાજપના સીધા નિયંત્રણમાં આવ્યું અને લૂંટાઈ ગયું. સંસ્કૃતિની ખાલ ઓઢીને રાજનીતિ કરનારા કોઈની સાથે ઈમાનદાર ન હોઈ શકે. ન તો પોતાના પ્રત્યે, ન તો જનતાના પ્રત્યે, ન તો ભગવાનના પ્રત્યે.
તેમણે સમગ્ર વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા હતા કે સમસ્યા ચંપત રાય અથવા અનિલ મિશ્રા નથી. સમસ્યા તે સંઘી વ્યવસ્થા છે જે શ્રીરામ મંદિર માટે બનાવવામાં આવી છે. ચંપત રાયને આરએસએસે બેસાડ્યા હતા. તેમના નેતૃત્વમાં મંદિર લૂંટાયું. પહેલા ચંદો, પછી જમીન, પછી માટી, ગીટ્ટી, પથ્થર, નિર્માણ, ચઢાવા બધું લૂંટાયું. હવે ચંપતને હટાવીને કૃષ્ણમોહનને બેસાડી દીધા. ચંપત પણ આરએસએસના હતા. કૃષ્ણમોહન પણ આરએસએસના છે. તેમણે સવાલ કર્યો હતો કે અયોધ્યાની મહંત પરંપરાને દૂર કરીને, રામ મંદિર માટે લડનારા સંતોને બહાર કાઢીને, આરએસએસ મંદિર પર કબજો શા માટે ઈચ્છે છે? તેમણે ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામા સ્વીકારી લેવામાં આવ્યાની વાતને એક મોટા કૌભાંડનો સંકેત ગણાવ્યો હતો.