(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક સ્તરે પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવની સ્થિતિ હોવા છતાં આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ તથા બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડાતરફી વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો નવ પૈસાના સુધારા સાથે 95.38ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, પશ્ચિમ એશિયાની કટોકટીના ઉકેલની અનિશ્ચિતતા અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી રહી હોવાના નિર્દેશોને કારણે રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.
ગત ગુરુવારે અમેરિકાએ ઈરાન પર કરેલા હવાઈ હુમલાના વળતા જવાબમાં તહેરાને પશ્ચિમ એશિયન દેશો પર હુમલા કરતાં વચગાળાના શાંતિના કરાર જોખમમાં મુકાઈ ગયા છે. વધુમાં ગુરુવારે ઈરાને પણ બહેરીનથી અમે અમેરિકાના નૌકાદળનાં પાંચમાં કાફલાના વડા મથક પર સતત સાયરનના અવાજો ગૂંજતા રહ્યા હતા. તેમ જ કુવૈત અને કતાર પર પણ હુમલા કર્યા હતા.
દરમિયાન આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 95.47નાં બંધ સામે સુધારાના અન્ડરટોને 95.27ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.42 અને ઉપરમાં 95.22ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે નવ પૈસાના સુધારા સાથે 95.38ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં સાધારણ એક પૈસાનો સુધારો આવ્યો હતો.
એકંદરે આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને ક્રૂડતેલના ભાવમાં ઘટાડાતરફી વલણ રહેતાં સત્ર દરમિયાન રૂપિયો 95.22 સુધી મજબૂત થયો હતો. જોકે, ત્યાર બાદ તેલ કંપનીઓની અને આયાતકારોની લેવાલી રહેતાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ફિનરેક્સ ટ્રેઝરી એડ્વાઈઝર્સનાં એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અને ટ્રેઝરી હેડ અનિલ કુમાર ભણસાળીએ જણાવ્યું હતું.
આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ 0.04 ટકા ઘટીને 100.86 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.62 ટકા ઘટીને બેરલદીઠ 75.83 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 827.57 પૉઈન્ટનો અને 244.10 પૉઈન્ટનો ઉછાળો આવ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.