શ્રીનગરઃ પવિત્ર અમરનાથ યાત્રામાં આ વખતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે પહોંચ્યા છે. સંખ્યાને ધ્યાને લેતા આ વખતે ભાવિકોની ભીડે અગાઉનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. પવિત્ર અમરનાથ યાત્રા માટે પહેલા જમ્મુ કાશ્મીર જવાનું હોય છે તથા પછી શ્રીનગરથી આગળ જતા બાલતાલ અને પહેલગાંવના રસ્તેથી આ યાત્રા શરૂ થાય છે. કેટલાક ભાવિકો પહેલગાંવથી યાત્રા શરૂ કરે છે તો કોઈ બાલતાલના રસ્તેથી આગળ વધે છે. હવે આવનારા સમયમાં અમરનાથ યાત્રા માટે ત્રીજો રસ્તો બને એવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.
ત્રીજો રસ્તો બનાવવા વિચારણા
વહીવટી તંત્ર દ્વારા અમરનાથ યાત્રા માટે ત્રીજો રસ્તો બનાવવા વિચારણા થઈ રહી છે. અત્યાર સુધી પવિત્ર ગુફા સુધી પહોંચવા માટે માત્ર બે જ રસ્તા હતા. વધુ એક રસ્તો દ્રાસથી થઈને નીકળી રહ્યો છે આ અંગે ચર્ચા-વિચારણા થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીનું એવું કહેવું છે કે, આ રસ્તેથી યાત્રા વધારે સરળ અને સુગમ બની રહેશે. ભારતીય જનતા પાર્ટીના લદ્દાખ યુનિટે આ અંગે એક પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવ 14.15 કિમી લાંબી જોજિલા સુરંગનું કામ પૂર્ણ થાય બાદ સામે આવ્યો છે. આ સુરંગ લદ્દાખના કારગીલ જિલ્લાના દ્રાસ વિસ્તારમાં મિનિમાગ સુધી મજબૂત ક્નેક્ટિવિટી ધરાવે છે. ભારતીય જનતા પાર્ટી અમરનાથ યાત્રાના ત્રીજા રસ્તાની વકીલાત કરી રહી છે. આ માટે વિકાસની યોજનાને વેગ આપવા માટે ચર્ચા કરી રહી છે.
ભાજપના નેતાની સલાહ
ભાજપના વરિષ્ઠ નેતા ગ્યાલસને સલાહ આપી હતી કે, જોજિલા સુરંગના પૂર્વ વિસ્તારમાં મિનિમાગથી આશરે 5 કિમીની પદયાત્રા કરીને તીર્થસ્થળ સુધી જવાનો રસ્તો એક વધુ મોટો વિકલ્પ બની શકે છે. આ રસ્તો બલાતાલના રસ્તાની સરખામણીમાં વધારે ટૂંકો અને સરળ છે. આ સાથે આ રસ્તો સૌથી સુરક્ષિત પણ માનવામાં આવે છે. લદ્દાખના ઉપરાજ્યપાલે સમગ્ર વિષયની નોંધ લઈને નવો રસ્તો ખોલવા માટે જે શક્યતાઓ છે એની તપાસ કરવા માટે એક વિસ્તૃત રિપોર્ટ માગ્યો છે. લદ્દાખ વહીવટી તંત્રનું એવું માનવું છે કે, આનાથી ન માત્ર ભાવિકોને સુરક્ષિત અને સરળ યાત્રા મળશે પણ લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશની અર્થવ્યવસ્થાને પણ વેગ મળી રહેશે. હાલના રૂટ પર, યાત્રાળુઓને સમુદ્ર સપાટીથી આશરે 4,000 થી 6,000 ફૂટની ઊંચાઈએ ચઢવું પડે છે અને અમરનાથ ગુફા સુધી પહોંચવા માટે બે થી ચાર દિવસ લાગે છે.
રસ્તાની ભૌગોલિક સ્થિતિ
લદ્દાખના ભાજપના વરિષ્ઠ નેતા તાશી ગ્યાલસનના મતે પ્રસ્તાવિત નવો રૂટ 5 કિમી લાંબો છે અને તેમાં 1,956 ફૂટની ચઢાણનો સમાવેશ થાય છે. આ એક એવી યાત્રા છે જે ફક્ત એક થી બે કલાકમાં પૂર્ણ થઈ શકે છે. આનાથી ભાવિકોનો પદયાત્રામાં વેડફાતો સમય બચી શકે છે. આ પ્રસ્તાવ નોંધપાત્ર ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે કારણ કે ત્રીજો રૂટ યાત્રાળુઓની સંખ્યાને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. જો બાલતાલ રૂટ સાથે વૈકલ્પિક રીતે ઉપયોગ કરવામાં આવે તો, શ્રદ્ધાળુઓને પણ મોટો ફાયદો થઈ શકે છે. પવિત્ર ગુફા સુધી જવા માટે હાલમાં બે રસ્તાઓ છે.પહલગાવ થઈને જતો રસ્તો પરંપરિક રસ્તો માનવામાં આવે છે. જ્યાર બાલતાલનો રસ્તો ટૂંકો છે પણ ચઢાણ મુશ્કેલ છે. આ રસ્તો 14 કિમીનો છે. જ્યારે પહલગાંવનો રસ્તો 34 કિમીનો છે. 5702 ફૂટની ઊંચાઈઓ સુધી ચઢાણ કરવું પડે છે.