Sat Jul 11 2026

Logo

વિયેતનામ બોટ દુર્ઘટનામાં 15 ભારતીયોના દુઃખદ મોત, આ રહી મૃતકોની યાદી

Hanoi   2026-07-11 21:36:00
Author: Vimal Prajapati
Article Image

હનોઈ / હો ચી મિન્હ સિટી: વિયેતનામમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભારતીય પ્રવાસીઓથી ભરેલી એક બોટ ડૂબી જતા અનેક લોકોનું અકાળે મોત થયું છે. આ મામલે ભારતીય દુતાવાસ દ્વારા પણ સત્તાવાર જાણકારી આપવામાં આવી છે. આ સાથે દુતાવાસ દ્વારા હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યાં છે. સ્થાનિક મીડિયાના રિપોર્ટ્સ પ્રમાણે આ દુર્ઘટનામાં 15 લોકોના મોત થયાં છે. જે 15 ભારતીયોના મોત થયાં છે, તેની સત્તાવાર જાણકારી પ્રકાશમાં આવી ગઈ છે. 

બોટમાં કુલ 37 લોકો સવાર હતા

વિયેતનામના સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અકસ્માતનો ભોગ બનેલી 'ઓશન પર્લ આઇલેન્ડ કંપની'ની આ સ્પીડબોટમાં 32 ભારતીય પ્રવાસીઓ, એક ટૂર ગાઇડ અને ક્રૂ મેમ્બરના 4 સભ્યો સહિત કુલ 37 લોકો સવાર હતા. શનિવારે બપોરે આશરે 1:00 વાગ્યે બોટમાં અચાનક કોઈ ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે સંતુલન બગડતા બોટ દરિયામાં પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં 2 મહિલા અને 13 પુરુષ સહિત 15 ભારતીય પ્રવાસીઓના મોત થયાં છે. 

રાજ્ય પ્રમાણે મૃતકોના નામની યાદી

આ દુર્ઘટનામાં સૌથી વધુ મૃત્યુ તમિલનાડુના લોકોના છે. તમિલનાડુ રાજ્યના કુલ દસ નાગરિકોએ વિયેતનામ બોટ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે. આ સાથે મૃતકોમાં આંધ્રપ્રદેશના ત્રણ અને કેરળના બે લોકોનો પણ સમાવેશ થાય છે. તમિલનાડુની વાત કરામાં આવે તો સેન્થિલ કુમાર જયવેલ, મુરુગા પ્રભુ અરુમુગમ, શ્રીધર સુંદરરાજન, શેખ અબ્દુલ્લા અબ્દુલ મજીદ, બાલાજી નટેસન, વિનય કુમાર ચિથાપુરમ ભાસ્કરા, રવિશંકર સુગુમરન, સંતોષ કુમાર શાંતિલાલ જૈન, બાબુ કુપ્પુસ્વામી, અને અલાગુરાજન શિવામીનો સમાવેશ થાય છે. આંધ્ર પ્રદેશની વાત કરીએ તો, નલ્લાપેટા આદિશેષાય રવિતેજા, શ્રીધર મુડીયમ અને જયા લક્ષ્મી ગેલ્લીનો સમાવેશ થાય છે. જ્યારે ઇવિકોટ ચેરિયન થોમસ અને લોવેની થોમસ કેરળના રહેવાસી હતા.

વધારે વિગતે વાત કરવામાં આવે તો, સુરક્ષા દળો અને નાવિકોની મદદથી 21 લોકોને દરિયામાંથી સુરક્ષિત બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યં છે. દુર્ઘટના બાદ આસપાસથી પસાર થતી અન્ય પર્યટક બોટો પણ તરત જ મદદ માટે દોડી આવી હતી. રાહત અને બચાવ કામગીરીને વેગ આપવા માટે સ્થાનિક બોર્ડર ગાર્ડ દ્વારા 35 સૈનિકો અને 2 મોટા જહાજો તૈનાત કરવામાં આવ્યા હતા. ભારતીય દુતાવાસ દ્વારા બોટમાં સવાર 32 ભારતીયોની યાદી પણ જાહેર કરવામાં આવી છે. આ સાથે 15 મૃતકોની યાદી જાહેર કરી દેવામાં આવી છે.