નવી દિલ્હીઃ દેશનાં કરોડો ઘરમાં ક્લિન એનર્જી પહોંચાડવાનાં ભારતનાં સોલાર રૂફ ટોપ માટેનાં રાષ્ટ્રીય કાર્યક્રમને ટેકો આપવા અને રિન્યૂએબલ એનર્જી ઉત્પાદન, ઈન્સ્ટોલેશન અને સર્વિસીસની વૅલ્યૂચેઈન મારફતે 17 લાખ રોજગારનું નિર્માણ થવાનું હોવાથી વર્લ્ડ બૅન્ક ગ્રૂપ (વિશ્વ બૅન્કનું જૂથ) 89 કરોડ ડૉલરનું ફંડ પૂરું પાડવા પ્રતિબદ્ધ છે.
વર્લ્ડ બૅન્કના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના બોર્ડે પ્રોજેક્ટને મંજૂરી આપી હોવાનું બહુરાષ્ટ્રીય ફંડિંગ એજન્સીએ આજે (શુક્રવારે) એક યાદીમાં જણાવ્યું હતું. પ્રોગ્રામ માટેનાં ફાઈનાન્સિંગ પેકેજમાં ઈન્ટરનેશનલ બૅન્ક ફોર રિક્નસ્ટ્રક્શન ઍન્ડ ડેવલોપમેન્ટ (આઈબીઆરડી) તરફથી 82 કરોડ ડૉલરની લોન, ક્લિન ટેક્નોલૉજી ફંડમાંથી છ કરોડ ડૉલરની ક્નસેશનલ લોન અને આઈબીઆરડીના લિવેબલ પ્લેનેટ ફંડમાંથી એક કરોડ ડૉલરની ગ્રાન્ટનો સમાવેશ થાય છે.
વધુમાં વિશ્વ બૅન્ક ઘરગથ્થુ ધોરણે સોલાર રૂફ ટોપ સ્થાપવા માટે વાણિજ્યિક લોન સ્વરૂપે ખાનગી ધિરાણ મારફતે 4.2 અબજ ડૉલર એકત્રિત કરશે. નોંધનીય બાબત એ છે કે ભારતે વર્ષ 2070 સુધીમાં નેટ ઝીરો હાંસલ કરવાની અને વર્ષ 2035 સુધીમાં નોન ફોસિલ ફ્યુઅલ (અશ્મિભૂત સિવાયનાં ઈંધણ) આધારિત ઊર્જાનો સ્રોત વધારીને 60 ટકા સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા દાખવી છે.
હાલમાં જ્યારે મોટા પાયે સોલાર એનર્જીનો ઝડપભેર વિકાસ થઈ રહ્યો છે ત્યારે રહેણાક સ્તરે સોલાર પાવરનો ઉપયોગ મર્યાદિત રહ્યો છે. આથી રહેણાક વિસ્તારોમાં પ્રોત્સાહન આપવા સરકારે દેશભરમાં એક કરોડ ગ્રામીણ અને શહેરી પરિવારો માટે સોલાર રૂફ ટોપ સ્થાપનને પ્રોત્સાહન આપવા, ઘરગથ્થુ ધોરણે વીજ ખર્ચ ઘટાડવા અને સ્થાનિકમાં સોલાર રૂફ ટોપ ઈક્વિપમેન્ટના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના કાર્યક્રમ અમલી બનાવ્યો છે.
વિશ્વ બૅન્ક એક દાયકા પૂર્વેથી ભારતના રૂફ ટોપ સોલાર ક્ષેત્રને ટેકો આપી રહી છે, 500 મેગા વૉટથી 27 ગિગા વૉટથી વધુ સ્થાપિત ક્ષમતા સુધી બજાર વૃદ્ધિને વિકસાવવા માટે બે અબજ ડૉલરથી વધુ ભંડોળ એકત્રિત કરી રહી હોવાનું વિશ્વ બૅન્કનાં ભારત માટેના કાર્યકારી ડિરેક્ટર પૉલ પ્રોસીએ જણાવ્યું હતું.
આ નવું ધિરાણ ભારતને ઘરગથ્થુ સોલાર પાવરના વિસ્તરણ માટે મદદરૂપ થવાની સાથે સપ્લાઈ ચેઈન અને ઈન્સ્ટોલેશન ઈકો સિસ્ટમમાં રોજગારીની નવી તકો પણ ઊભી કરશે, એમ તેમણે ઉમેર્યું હતું.