Sat Jul 11 2026

Logo

વિમ્બલ્ડનમાં સચિન તેંડુલકર સાથે પહોંચ્યો શુભમન ગિલ, ફેન્સે કહ્યું- 'સાસુ, સસરા અને જમાઈ એક સાથે'

2026-07-11 11:44:00
Author: Mumbai Samachar Team
Article Image

ભારતના ટેસ્ટ અને વનડે કેપ્ટન શુભમન ગિલ, ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર અને તેમની પત્ની અંજલિ સાથે વિમ્બલ્ડન (Wimbledon 2026) ના રોયલ બોક્સમાં બેઠેલા જોવા મળ્યા હતા. ટેનિસની રમતનો આનંદ માણતા આ ત્રણેયની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ સાથે જ કેટલાક લોકોએ અવનવી કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે કહ્યું કે સાસુ, સસરા અને જમાઈ એક સાથે બેઠા છે.

યુઝર્સે કરી કમેન્ટ્સ

શુભમન ગિલે વિમ્બલ્ડનમાં ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં એન્ટ્રી કરી હતી. તેણે હળવા કથ્થઈ (લાઇટ બ્રાઉન) રંગનું બ્લેઝર, બ્લુ શર્ટ, ટાઈ અને કાળા ચશ્મા પહેર્યા હતા. તેનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવ્યો. બીજી તરફ, સચિન તેંડુલકરે નેવી બ્લુ સૂટ અને અંજલિ તેંડુલકરે ઓલિવ ગ્રીન ડ્રેસમાં પોતાની હાજરી નોંધાવી હતી. આ ફોટો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે કમેન્ટ સેક્શનમાં સારા અને શુભમનના કથિત સંબંધોને લઈને કમેન્ટ્સ કરી હતી. જેમાં મોટાભાગના યુઝર્સે લખ્યું કે, 'હવે તો સંબંધ પાકો થઈ ગયો છે' અને 'સસરા-જમાઈની જોડી સારી લાગી રહી છે'. ઉલ્લેખનીય છે કે, ગિલ અને સારાએ ક્યારેય પોતાના સંબંધોને લઈને ખુલીને કોઈ વાત નથી કરી. સોશિયલ મીડિયા પર બંનેના સાથે હોવાના સમાચાર અવારનવાર ચમકે છે.

તમે પણ આવી અફવા સાંભળી જ હશે કે ગિલ દિગ્ગજ તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરને ડેટ કરી રહ્યો છે. પરંતુ આ વાતની આજ દિન સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. આ જ અફવાને કારણે લોકોએ સચિન તેંડુલકર અને તેમની પત્ની અંજલિને ગિલના સાસુ અને સસરા ગણાવ્યા હતા.

શું છે સારા અને શુભમનનું સત્ય?

સોશિયલ મીડિયા પર અવારનવાર ફેન્સ વચ્ચે શુભમન ગિલ અને સારા તેંડુલકરના સંબંધોની ચર્ચા થતી રહે છે. બંને તરફથી ક્યારેય આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી અને ન તો આ અફવાઓને ખોટી ગણાવવામાં આવી છે. ઘણી વખત બંનેની એક જ રેસ્ટોરન્ટની તસવીરો સામે આવી છે, જેના કારણે ફેન્સે અટકળો લગાવવાનું શરૂ કરી દીધું હતું. આ સિવાય અવારનવાર મેદાન પર ફેન્સ સારાનું નામ લઈને શુભમનને ચીડવતા પણ જોવા મળે છે.

ઇંગ્લેન્ડ વનડે સિરીઝ માટે તૈયારીમાં વ્યસ્ત ગિલ

ભારતીય ટીમ આ દિવસોમાં ઇંગ્લેન્ડ સામે 5 મેચની T20 સિરીઝ રમી રહી છે. સિરીઝની અંતિમ મેચ 11 જુલાઈએ રમાશે. ત્યારબાદ 14 જુલાઈથી ત્રણ મેચની વનડે (ODI) સિરીઝની શરૂઆત થશે. વનડે સિરીઝમાં શુભમન ગિલની કેપ્ટનશીપવાળી ટીમ ઈન્ડિયામાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓ રમતા જોવા મળશે.