Sat Jul 11 2026

Logo

ભારતની મહિલા ટીમ લૉર્ડ્સ ટેસ્ટમાં છવાઈ ગઈઃ 115 રનની સરસાઈ લીધી

London   2026-07-11 20:02:09
Author: Ajay Motiwala
Article Image

પેસ બોલર ક્રાંતિ ગૌડની પાંચ વિકેટઃ ભારતને ઐતિહાસિક વિજય મેળવવાની તક

લંડનઃ ઇંગ્લૅન્ડમાં ભારતના પુરુષ ક્રિકેટરો કરતાં મહિલા ખેલાડીઓ સારું રમી રહી છે અને દેશનું નામ રોશન કરી રહી છે, કારણકે તેમણે લૉર્ડ્સમાં મહિલાઓ માટે 150 વર્ષના ઇતિહાસમાં પહેલી જ વખત આયોજિત ટેસ્ટ મૅચમાં શનિવારના બીજા દિવસે યજમાન ઇંગ્લૅન્ડની ટીમને પ્રથમ દાવમાં માત્ર 170 રનમાં ઑલઆઉટ કરી દીધી છે અને 115 રનની બહુમૂલ્ય સરસાઈ મેળવી છે. આ ટેસ્ટ ચાર દિવસની છે જેમાં ભારતે હવે બીજા દાવમાં ઝડપથી બને એટલા વધુ રન બનાવીને યજમાન ટીમને પડકારરૂપ લક્ષ્યાંક આપવો જોઈએ. આ મૅચ જીતીને લૉર્ડસના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવવાનો ભારતીય ટીમને સારો મોકો છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sony LIV (@sonylivindia)

શુક્રવારે ભારતે વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાનાના 83 રન તેમ જ કૅપ્ટન હરમનપ્રીત કૌરના 58 રન અને દીપ્તિ શર્માના 57 રનની મદદથી 285 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લૅન્ડની માત્ર વિકેટકીપર ઍમી જોન્સ (બાવન રન) હાફ સેન્ચુરી ફટકારી શકી હતી.

ભારત વતી ભરોસાપાત્ર પેસ બોલર ક્રાંતિ ગૌડે ફક્ત 37 રનમાં પાંચ વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો. તેણે ઓપનર માઇયા બાઉચિયર (23 રન), ટૅમી બ્યૂમૉન્ટ (બે રન), કૅપ્ટન નૅટ સિવર-બ્રન્ટ (44 રન), ઍલિસ કેપ્સી (નવ રન)ની બહુમૂલ્ય વિકેટ લીધી હતી તેમ જ લૉરેન બેલ (ત્રણ રન)ને પણ પૅવિલિયન ભેગી કરી હતી.

પેસ બોલર સાયલી સતઘરેએ 40 રનમાં બે વિકેટ સ્પિનર સ્નેહ રાણાએ 41 રનમાં બે વિકેટ અને દીપ્તિ શર્માએ 10 રનમાં એક વિકેટ લીધી હતી.