મુંબઈઃ ભારતીય સૈન્ય ખાસ કરીને વાયુસેનાના શૌર્ય અને સાહસની સ્ટોરી હંમેશા દેશવાસીઓને પસંદ પડે છે. ખાસ કરીને કોઈ યુદ્ધ ઑપરેશન હોય ત્યારે દેશવાસીઓ આવી સિરીઝ પર ખૂબ જ વ્હાલ વરસાવે છે. વર્ષ 1999માં કારગીલ યુદ્ધ દરમિયાન જે ઘર્ષણ થયું એ સૈન્ય તો ઠીક દેશવાસીઓ પણ ક્યારેય નહીં ભૂલી શકે. આ યુદ્ધ પડકારજનક એટલા માટે હતું કારણ કે, ઊંચાઈ અને સતત હુમલાને કારણે વિકટ બનતુ જતું હતું. આ જ યુદ્ધની એક અનટોલ્ડ સ્ટોરી હવે સ્ક્રિન પર રજૂ થવાની છે. નેટફ્લિક્સ પર ઑપરેશન સફેદ સાગર નામની વેબસિરીઝ શરૂ થવાની છે. આ સિરીઝ 7 ઓગસ્ટના રોજ સ્ટ્રિમ થઈ રહી છે.

યુદ્ધભૂમિ જેવો અનુભવ થશે
આ સિરીઝની મદદથી કરોડો દેશવાસીઓને ભારતીય વાયુસેનાના ગોલ્ડન એરોઝ સ્ક્વો઼ડ્રનના એ વીર પાયલટના જીવન, એના બલિદાન અને મુશ્કેલ પરિસ્થિતિમાં દેશની સુરક્ષા કરવાના કમિટમેન્ટની સ્ટોરી છે. આ સ્ટોરી માત્ર હવામાં ઉડતા કોઈ વિમાનના પાયલટની નથી. આ વીર જવાનોના જીવન, પરિવાર અને દેશ માટે એમના બલિદાન દ્વારા જે સફળતા પ્રાપ્ત થઈ એની કહાની છે. સિરીઝના નિર્માતા કુશલ શ્રીવાસ્તવ ખુદ ભારતીય વાસુસેનામાં રહી ચૂક્યા છે. આ કારણે સ્ક્રિપ્ટમાં એક બારિકી જોવા મળશે, આ ઉપરાંત ફ્લાઈટ સ્ટંટ અને માહોલને સરસ રીતે રજૂ કરવામાં આવ્યો છે. આ સિરીઝ આપણી વાયુસેનાના એ જવાનોને શ્રદ્ધાંજલી સમાન છે. જેણે પોતાના જીવની ચિંતા કર્યા વગર દેશની રક્ષા કરી હતી.

100 થી વધુ લોકેશન પર શુટિંગ
આ શૉ બનાવવામાં નિર્માતાઓએ કોઈ કસર છોડી નથી. ફીલ ગુડ ફિલ્મ્સની ટીમના જણાવ્યા અનુસાર, આ સિરીઝનું શૂટિંગ 100 થી વધુ સ્થળોએ કરવામાં આવ્યું હતું જેથી ખરેખર અધિકૃત અને ભવ્ય દ્રશ્ય આકર્ષણ પ્રાપ્ત થાય. સૌથી નોંધપાત્ર વાત એ છે કે, ઘણા મુખ્ય દ્રશ્યો સમુદ્ર સપાટીથી 16,000 ફૂટથી વધુ ઊંચાઈએ, ભયાનક ભૂપ્રદેશ અને ઠંડી હવામાન વચ્ચે ફિલ્માવવામાં આવ્યા હતા. વિશ્વસ્તરીય VFX અને મોટા પાયે નિર્માણને કારણે, આ શ્રેણી દર્શકોને સીધા કારગિલના હવાઈ યુદ્ધભૂમિમાં લઈ જશે. આ સિરીઝ અભિજીત સિંહ પરમાર અને કુશલ શ્રીવાસ્તવ દ્વારા સહ-નિર્માણ કરવામાં આવી છે. 'ઓપરેશન સફેદ સાગર' ની સૌથી મોટી તાકાત તેની શક્તિશાળી અને પ્રતિભાશાળી સ્ટાર કાસ્ટ છે.

ટ્રેલર રિલીઝ
આ લશ્કરી ડ્રામા સિક્વન્સમાં સાઉથ અને બોલિવૂડ બંનેના કલાકારોની પ્રભાવશાળી ભૂમિકાઓ છે, જેમાં સિદ્ધાર્થ, જીમી શેરગિલ, અભય વર્મા, દિયા મિર્ઝા, પ્રાજક્તા કોલી, આદિલ હુસૈન, મિહિર આહુજા, તારક રૈના, અર્ણવ ભસીન અને અમૃતા બાગચીનો સમાવેશ થાય છે. અનુભવી અને યુવાન પ્રતિભાનું આ મિશ્રણ પડદા પર દેશભક્તિ અને ભાવનાનું એક અનોખું સ્તર લાવવાનું વચન આપે છે. આ પહેલા પણ હોટસ્ટાર પર શુરવીર નામની એક સિરીઝ આવી હતી. એ પણ ભારતીય વાયુ સેનાના અતુલ્ય પરાક્રમો પર આધારિત હતી. આ સિરીઝ હવે નવું શું છે એના પર દર્શકોની નજર છે. આ સિરીઝનું ટ્રેલર સામે આવી ચૂક્યું છે.