Wed Aug 26 2026

Logo

ઇંગ્લૅન્ડમાં શર્મનાક હાર બાદ ગૌતમ વિશે બીસીસીઆઇ ખૂબ ગંભીર, નોકરી ખતરામાં

Bristol   2026-07-10 18:47:24
Author: Ajay Motiwala
ઇંગ્લૅન્ડમાં શર્મનાક હાર બાદ ગૌતમ વિશે બીસીસીઆઇ ખૂબ ગંભીર, નોકરી ખતરામાં

બ્રિસ્ટલઃ માર્ચ, 2026માં ભારત સૂર્યકુમાર યાદવની કૅપ્ટન્સીમાં ટી-20નો વર્લ્ડ કપ જીત્યું, પણ ત્યાર પછી પહેલી જ ટી-20 સિરીઝની ટીમમાંથી સિલેક્ટરોએ સૂર્યકુમાર યાદવનું નામ ટીમ ઇન્ડિયાની યાદીમાંથી ગાયબ કરી નાખ્યું ત્યાર બાદ હવે ભારતના બૅક-ટુ-બૅક સિરીઝ-પરાજયને પગલે હેડ-કોચ ગૌતમ ગંભીર (Gautam Gambhir)ની ગાદી પણ હાલકડોલક થવા લાગી છે. એક અહેવાલ અનુસાર બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) દ્વારા ઉપરાઉપરી બે સિરીઝના પરાજયની તાકીદે સમીક્ષા થઈ રહી છે અને હેડ-કોચ ગૌતમ ગંભીર સહિતના કોચિંગ સ્ટાફમાં કેટલાકની નોકરી પર તવાઈ આવી શકે એવા સંજોગો નિર્માણ થયા છે.

સિલેક્ટરો ટી-20 ટીમના અમુક ખેલાડીઓને પણ નિશાન બનાવશે એવી સંભાવના છે. થોડા સમય પહેલાં રોહિત શર્મા તથા વિરાટ કોહલીની નિવૃત્તિને પગલે ટેસ્ટ ટીમની હાલત કફોડી હતી અને હવે ટી-20ના વર્લ્ડ નંબર-વન અને વર્લ્ડ ચૅમ્પિયન ભારતની ટી-20 ટીમ શરમજનક સ્થિતિમાં છે. આયરલૅન્ડમાં 0-2થી વાઇટવૉશ થયા બાદ હવે ઇંગ્લૅન્ડ સામે 0-3થી પાછળ રહી ગયેલા ભારતે શનિવાર, 11મી જુલાઈએ સતત બીજો વાઇટવૉશ જોવો પડશે એવી હાલત છે.

ગૌતમ ગંભીરનો બીસીસીઆઇ સાથે 2027 સુધીનો કૉન્ટ્રૅક્ટ છે, પણ બીસીસીઆઇ સાથે સંકળાયેલા સૂત્રો અનુસાર ગંભીરની નોકરી ખતરામાં છે. શ્રેયસ ઐયરના નેતૃત્વમાં ભારતે પહેલી બન્ને શ્રેણીમાં ખરાબ રીતે હાર જોવી પડી છે. ઇંગ્લૅન્ડમાં ટીમ મૅનેજમેન્ટના નિર્ણયોની ખૂબ ટીકા થઈ રહી છે. સંજુ સૅમસનને ડ્રૉપ કરીને વૈભવ સૂર્યવંશીને ઓપનિંગમાં ફિટ કરી દીધો એ નિર્ણય કારગત નથી નીવડ્યો. આઇપીએલ-2026માં હાઇએસ્ટ 776 રન બનાવનાર વૈભવ આંતરરાષ્ટ્રીય ફલક પર પહેલી ત્રણેય ટી-20માં ફ્લૉપ (14, 13 અને 15 રન) ગયો છે.

ટી-20નો વર્લ્ડ નંબર-વન ઇશાન કિશન ઇંગ્લૅન્ડની ફાસ્ટ પિચો પર રન બનાવવા સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે તિલક વર્મા વાઇસ-કૅપ્ટન છે એટલે તેને પડતો મૂકવામાં ખચકાટ થઈ રહ્યો છે કે શું? એવો સવાલ ક્રિકેટચાહકો કરી રહ્યા છે.