Sat Jul 11 2026

Logo

નાનકડા નેસડાથી સ્વતંત્ર સૌરાષ્ટ્રનું પાટનગર! જાણો કઈ રીતે વિકસ્યું કાઠિયાવાડનું હાર્દ 'રાજકોટ'?

2026-07-11 22:56:44
Author: Devayat Khatana
Article Image

રાજકોટ: ગુજરાતનો પશ્ચિમ ભાગ એટલે કાઠિયાવાડ એ નોખી જ સંસ્કૃતિ, મૂલ્યો અને પરંપરાઓનું કેન્દ્ર રહ્યું છે. કાઠિયાવાડ પ્રદેશ તેની ઘણી લાક્ષણિકતાઓને કારણે ખૂબ જ ખ્યાત છે, આ માટે કહેવાય છે કે "સૌરાષ્ટ્રે પંચ રત્નાની, નદી નારી તુરંગમ: ચતુર્થો સોમનાથશ્ચ પંચમમ હરિદર્શનમ". સૌરાષ્ટ્રના પાંચ રત્નોને ખૂબ વખાણાયાં છે, એક છે નદી, નારી, અશ્વ, સોમનાથ અને શ્રીહરિની દ્વારકા. આ કાઠિયાવાડ પ્રદેશનું  જેને પાટનગર કહેવામાં આવે છે તે છે રાજકોટ. પણ શું તમે જાણો છો કે ચારેક સદી પહેલા રાજકોટ એ કોઈ મોટું નગર કે ગામ નહીં પણ એક નાનો એવો નેસડો હતો! જી ચાલો જાણીએ નાનો એવો નેસડો આજે દેશમાં સતત વિકસતા મહાનગરમાં કઈ રીતે સ્થાન પામ્યું. 

સમુદ્ર સપાટીથી 138 મીટરની ઊંચાઈ પર આવેલું રાજકોટ એક એવું મોટું મહાનગર છે જે સતત વિકસી રહ્યું છે. પણ શું તમે જાણો છો કે કાઠિયાવાડના પાટનગર ગણાતા રાજકોટનો જન્મદિવસ ક્યારે છે? ભલે કોઈ ચોક્કસ તારીખ કે તિથી ઉપલબ્ધ નથી પણ જુલાઇ માસનું પ્રથમ અઠવાડિયુ તેનો જન્મનો દિવસ ગણાય છે. રાજકોટ શહેરની સ્થાપના ઈ.સ. 1610માં ઠાકોરજી વિભાજી જાડેજા દ્વારા કરવામાં આવી હતી. પણ જેમ ગુજરાતની પૂર્વ રાજધાની પાટણનું નામ મિત્ર અણહિલ ભરવાડ પરથી પડ્યું હતું તેવી રીતે રાજકોટના નામકરણ પાછળ પણ એક મિત્રતા રહી છે. 

રાજકોટની સત્તાનું કેન્દ્ર સરધાર હતું 
ઇતિહાસ પર નજર નાખીએ તો રાજકોટ સત્તાનું કેન્દ્ર બન્યું તે પૂર્વે તેની રાજધાની સરધારમાં હતી. આજે પણ સરધારનો ગઢએ જાડેજા વંશની સત્તાનું પ્રતિક બનીને ઊભો છે. જો કે સૌરાષ્ટ્રના ઉચ્ચપ્રદેશ પર આજીના કાંઠે વસેલો એક નાનો એવો પણ રમણીય નેસ ઠાકોર વિભાજીને મનમાં મોહી ગયો અને ઇસની 16મી સદીમાં તેમણે અહી શહેર વસાવવાનો નિર્ધાર કર્યો હતો. જો કે તેને રાજકોટ નામ મળ્યું ઠાકોર સાહેબના વિશ્વાસુ મિત્ર રાજુ સંધિના નામ પરથી. તેના નામ પરથી આ કિલ્લેબંધ શહેરને રાજકોટ નામ મળ્યું.  


તેનો પુરાવો મળે છે એક તકતીથી, જેમાં લખવામાં આવ્યું છે કે, “શ્રીફૂલિયા હનુમાનજી રેચા નાકા સને. ૧૫૮૪. માં શ્રી રાજુ નામના એક સંધિ યુવાને આ રાજકોટ ગામની સ્થાપના કરી ત્યારે લગભગ આઠસો માણસની વસતી હતી અને ત્યારે રૈયાનાકા એ કાળીભુમિ તરીકે ઓળખાતી એ સમચે શ્રીફૂલિયા હનુમાનજીની સ્થાપના કરવામાં આવેલ હતી.” ત્યારથી લઈને છેક આઝાદી સુધી રાજકોટ પર જાડેજા વંશની સત્તા કાયમ રહી હતી. 



અંગ્રેજોએ કોઠી સ્થાપેલી 
જો કે અંગ્રેજી સમયથી રાજકોટનું કાઠિયાવાડ માટે ખૂબ જ મહત્વ સાબિત થઈ ગયું હતું અને આથી જ 1822ના વર્ષમાં બ્રિટિશ સરકારે રાજકોટમાં જમીન ખરીદીને અહી કોઠી સ્થાપી હતી. જે પાછળથી પશ્ચિમ કાઠિયાવાડ એજન્સીથી ઓળખાતી અને તે વિસ્તાર આજે પણ કોઠી કમ્પાઉન્ડથી ઓળખાય છે. આજે ત્યાં રેલવે સહિતની સરકારી કચેરીઓ બેસે છે. જો કે આઝાદીનું ચળવળ અને રાષ્ટ્રીય ચેતનાની જાગૃતિમાં પણ રાજકોટનું મહત્વ આગળ પડતું રહ્યું હતું. આઝાદીની ચળવળ દરમિયાન રાજકોટ એ સમગ્ર સૌરાષ્ટ્ર રાજકીય જાગૃતિ માટેની મહત્વની સંસ્થા ગણાતી એવી કાઠિયાવાડ રાજકીય પરિષદનું કેન્દ્ર રહ્યું હતું. 


આઝાદ ભારતના આદર્શ રાજ્યનું પાટનગર 
દેશ આઝાદ થયો તે સમયે આખો સૌરાષ્ટ્ર પ્રદેશ અનેક દેશી રજવાડાઓમાં પથરાયેલો પ્રદેશ હતો. જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ, લીંબડી, મોરબી, વેરાવળ, જેતપુર, માંગરોળ વગેરે અનેક નાના મોટા રજવાડાઓ હતા. આઝાદી બાદ સૌરાષ્ટ્રના અનેક નાના મોટા મળીને 202 જેટલા દેશી રાજ્યોના એકીકરણ સાથે સૌરાષ્ટ્ર રાજ્ય બન્યું અને પ્રથમ મુખ્ય પ્રધાન ઢેબરભાઇએ ટેબલ ખુરશીને બદલે જમીન ઉપર બેસીને સૌરાષ્ટ્ર રાજ્યનો વહિવટ કરેલો. તે સમયે રાજકોટ એ સ્વતંત્ર સૌરાષ્ટ્ર રાજ્યનું પાટનગર બન્યું હતું. 

સ્વતંત્ર સૌરાષ્ટ્ર રાજ્યની વિધાનસભાએ તે સમયના દરબાર હૉલમાં ચાલતી હતી, જે આજે જ્યુબિલી પાર્કના અરવિંદભાઈ મણિયાર હૉલથી ઓળખાય છે. રાજ્યનું સચિવાલય આજની સિવિલ હોસ્પિટલમાં હતું. થોડા જ સમયમાં સમગ્ર દેશના નાના રાજયોમાં સૌરાષ્ટ્ર રાજ્યને આદર્શન રાજ્ય કહેવામાં આવ્યું હતુ. સિંચાઇ ડેમો, જમીન માલિકીનો કાયદો, ઘરખેડ કાયદો વગેરેથી સૌરાષ્ટ્ર રાજ્યને પ્રશંસા મળી હતી. ખેડે તેની જમીનનો કાયદો તથા અમલ સમગ્ર દેશમાં માત્ર સૌરાષ્ટ્રમાં થયો હતો.