અમદાવાદ: શહેરમાં આગામી 16મીના રોજ અષાઢી બીજના રોજ યોજાનારી રથયાત્રાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ મહાનગરમાં 6 મિની રથયાત્રાઓ સહિત રાજ્યભરમાં વિવિધ સ્થળોએ યોજાતી 230 રથયાત્રાઓ શાંતિ અને સલામતિ પૂર્વક યોજાઇ તે હેતુથી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે એક સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પરંપરાગત રીતે યોજાતી રથયાત્રા અંતર્ગત ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા આગામી અષાઢી બીજના 16 જુલાઇના દિવસે ઉમંગ અને ઉત્સાહ સાથે શાંતિ, સલામતિ અને સફળતા પૂર્વક પાર પાડવા માટેની પોલીસ અને મહાનગરપાલિકા તંત્રની તૈયારીઓની ઝીણવટ પૂર્વકની સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી.
મુખ્ય પ્રધાને રાજ્યમાં વિવિધ સ્થળો જે 230 જેટલી રથયાત્રાઓ નીકળે છે તે શાંતિ પૂર્વક, સલામતિ-સુરક્ષાના વાતાવરણમાં પૂર્ણ થાય લોકો રથયાત્રાના દર્શન ઉલ્લાસ ભેર કરી શકે તેમજ કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તેની સંપૂર્ણ તકેદારી રાખવા પોલીસતંત્રને આ બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું.અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર આવતી જર્જરિત ઇમારતો અને મકાનો આસપાસ લોકો રથયાત્રાના દર્શન માટે ભીડ ન કરે તે માટેની ચૂસ્ત વ્યવસ્થાઓ કરવા પણ મુખ્ય પ્રધાને મ્યુનિસીપલ કમિશ્નરને સૂચનાઓ આપી હતી. શહેર પોલીસતંત્ર ‘ઝીરો રિસ્ક’ અને સંપૂર્ણ સતર્કતા તથા સજ્જતાથી 31 હજારથી વધુ પોલીસકર્મીઓની સેવાઓ સાથે આ 149મી રથયાત્રા શાંતિ પૂર્વક પાર પડે તે માટે દિવસ રાત જે મહેનત કરી રહ્યું છે તેની તલસ્પર્શી વિગતો અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહેલોતે પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી.
આ રથયાત્રામાં 240થી વધુ ધાબા પોઈન્ટ, 65 ડ્રોન, 2800 થી વધુ બોડી વોર્ન કેમેરાથી અમદાવાદ શહેર પોલીસ યાત્રા પર નિગરાની રાખશે. યાત્રા દરમિયાન અમદાવાદ મહાનગરપાલિકાના 15 મેડીકલ ઓફિસર અને 100 આરોગ્ય કર્મીઓ, 31 ફાયર વ્હીકલ અને 237 ફાયર જવાનો પણ તૈનાત રહેશે. 16 કિલોમીટર લાંબી ભગવાન જગન્નાથની આ રથયાત્રામાં 101 ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ જોડાઇને ભક્તિ સભર માહોલ બનાવશે. રથયાત્રા શાંતિ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં યોજાય તે માટે રથયાત્રા અગાઉ શાંતિ સમિતિની 69 મિટીંગ, મહોલ્લા સમિતિની 79 બેઠક તથા 178 જેટલી બેઠકો વિવિધ સંપ્રદાયના ધાર્મિક આગેવાનો સાથે શહેર પોલીસે કરી છે.
એટલું જ નહિં, કોમી એકતાને વધુ સુદ્રઢ બનાવવા બ્લડ ડોનેશન કેમ્પ, રાત્રિ ક્રિકેટ અને વોલીબોલ મેચ, લોકડાયરા અને ઝેન-ઝી સાથે સંવાદનું પણ આયોજન કરવામાં આવેલું છે તેમ પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું. આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ એમ.કે.દાસ, પોલીસ મહાનિદેશક જી.એસ.,મલિક, મુખ્ય પ્રધાનના અગ્ર સચિવ સંજીવ કુમાર, મ્યુનિસીપલ કમિશ્નરબંછાનિધિ પાની, મુખ્ય પ્રધાનના અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે, સચિવ ડો અજય કુમાર તથા ક્રાઇમબ્રાંચના સંયુક્ત પોલીસ કમિશ્નર શરદ સિંઘલ સહિતના અધિકારીઓ જોડાયા હતાં.