Tue Oct 06 2026

Logo

સુરતમાં રાજય સરકાર દ્વારા ટુંક સમયમાં રાહત પેકેજ જાહેર કરવામાં આવશેઃ હર્ષ સંઘવી

2026-07-11 21:01:41
Author: Pooja Shah
સુરતમાં રાજય સરકાર દ્વારા ટુંક સમયમાં રાહત પેકેજ જાહેર કરવામાં આવશેઃ હર્ષ સંઘવી

અમદાવાદઃ સુરતમાં ભારે વરસાદ અને પુરના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અણધારી આવી પડેલી આફતના સમયે અનેક ઔદ્યોગિક તેમજ રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી ઉદ્યોગો, વેપારી સ્થળો અને રોજગારને નુકસાન પહોંચ્યું છે તેવા સમયે સુરતની ધી વરાછા કો-ઓપ.બેક લિ. દ્વારા ૯% વ્યાજે રૂ. ૫ લાખ સુધીની 'ફ્લડ લોન' યોજના અને પૂર અને પાણી ભરાવા સામે સુરક્ષા આપતી નવી વીમા યોજનાઓનું લોન્ચિંગ નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યુ હતું.

 વરાછા બેંકની મુખ્ય કચેરી ખાતે આયોજીત કાર્યક્રમમાં સંઘવીએ જણાવ્યું હતું કે, પૂરના કારણે થયેલા નુકસાનનું સાચું આકલન કરવા માટે સરકાર દ્વારા ૭૨ કલાકમાં સર્વે પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેમાંથી ૮૦ ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. નાની-મોટી ઇન્ડસ્ટ્રીઝ, દુકાનો અને કોમર્શિયલ એકમોને થયેલા નુકસાનનો અહેવાલ તૈયાર થઈ રહ્યો છે. જેના આધારે રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં રાહત પેકેજ જાહેર કરવામાં આવશે.
દરમિયાન કેન્દ્રીય જળ શક્તિ પ્રધાન સી. આર. પાટીલના હસ્તે પૂરગ્રસ્ત પરિવારોને સરકારી સહાય પેટે કેશ ડોલ્સ તેમજ ઘરવખરીના નુકસાન સામે આર્થિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમયે જિલ્લા પ્રભારી અને રાજ્યના નાણા પ્રધાન કનુભાઈ દેસાઈ પણ હાજર રહ્યા હતા.