(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: માનખુર્દ-મહારાષ્ટ્ર નગર ટી જંકશનમાં સવાર-સાંજના પીકઅવર્સમાં થતા ટ્રાફિક તેમ જ મુંબઈથી વાશી વચ્ચે આવતા-જતા વાહનોને ભારે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે, તેની અસર ઘાટકોપર સુધીના ટ્રાફિકને થતી હોય છે. આ ટ્રાફિકની સમસ્યાથી છુટકારો આપવા માટે પાલિકા માનખુર્દ મહારાષ્ટ્ર નગર ફ્લાયઓવરના બે આર્મ(ફ્લાયઓવર) બનાવી રહી છે, જેનું કામ ૩૧મે, ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરીને તેને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવવાનો હોવાનું પાલિકાએ જણાવ્યું હતું. એ સિવાય બહુપ્રતિક્ષિત વિદ્યાવિહારમાં બની રહેલા રેલઓવર બ્રિજનું કામ આવતા મહિને પૂરું થઈને તેને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવવાનો છે.
માનખુર્દ મહારાષ્ટ્ર નગર ટી જંકશન પર નિયમિત રીતે સવાર અને રાતના પીકઅવર્સના સમયે મોટા પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. તેના પરિણામે સ્થાનિક રહેવાસીઓ સહિત મુંબઈથી વાશી તરફ જતા અને વાશીથી મુંબઈ તરફ આવતા વાહનચાલકોને ભારે ટ્રાફિક જૅમની સમસ્યાનો સામનો કરવો પડે છે. એ સાથે જ ઘાટકોપરથી માનખુર્દ અને માનખુર્દથી ઘાટકોપર આ રોડ પર પણ ભારે ટ્રાફિક થતો હોય છે. તેના પર પરિણામકારક ઉપાય તરીકે પાલિકાએ ઘાટકોપર-માનખુર્દ ફ્લાયઓવરથી સીધો વાશી જનારો આર્મ (ફ્લાયઓવર) અને સાયન-પનવેલ હાઈવે પરના માનખુર્દ ફ્લાયઓવરથી ઘાટકોપર તરફ જનારો સ્વતંત્ર આર્મ (ફ્લાયઓવર) બનાવી રહી છે.
પ્રસ્તાવિત પ્લાન મુજબ ઘાટકોપર-માનખુર્દ લિંક રોડ ફ્લાયઓવર પરથી વાશી જનારા સ્વતંત્ર બે લેન ૧,૪૨૦ મીટર લંબાઈની અને ૮.૫ મીટર પહોળો આર્મ બનાવવામાં આવવાનો છે. તો વાશીથી આવતા વાહનોને ઘાટકોપર-માનખુર્દ લિંક રોડ ફ્લાયઓવર પર જવા માટે બીજા સ્તર પર સ્વતંત્ર બે લેનનો ૧,૯૫૧ મીટર લંબાઈનો અને ૮.૫ મીટર પહોળાઈનો ફ્લાયઓવર બાંધવામાં આવવાનો છે. આ બંને ફ્લાયઓવરને કારણે સાયન-પનવેલ હાઈવે પરના ટી જંકશન પરની ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવશે. આ બંને આર્મનું કામ ૧૫ ઑક્ટોબર ૨૦૨૪થી ચાલુ કર્યું હતું અને હવે ૨૧મે, ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ પ્રોજેક્ટમાં મહાવિતરણ અને ટાટા પાવરના ઈલેક્ટ્રિક કેબલનું સ્થળાંતરનું કામ પણ મહત્ત્વનું છે, તેને પણ પાવર કંપની સાથે સંયુક્ત રીતે તમામ સુરક્ષાના ઉપાય કરીને કામ ઝડપથી પૂર્ણ કરવાનો પ્રયાસ રહેશે.
માનખુર્દની સાથે જ વર્ષોથી વિલંબમાં મુકાયેલો લાલબહાદુર શાસ્ત્રી રોડ અને રામચંદ્ર ચેંબુરકર માર્ગને જોડનારા ૬૫૦ મીટર લંબાઈના વિદ્યાવિહારના પુલનું કામ લાંબા સમયથી અટવાઈ ગયું છે. વિદ્યાવિહાર પશ્ર્ચિમમાં અમુક બાંધકામને કારણે કામ સતત લંબાઈ રહ્યું હતું. હવે પુલનું લગભગ ૮૦ ટકા કામ થઈ ગયું હોવાનું જણાવતા બાંગરે કહ્યું હતું કે આ બ્રિજને ૩૧ ઑગસ્ટ, ૨૦૨૬ સુધીમાં ખુલ્લો મૂકવાનું આયોજન છે. વિદ્યાવિહાર પૂર્વ અને પશ્ર્ચિમમાં પુલ ખુલ્લો મુકાયા બાદ ટ્રાફિકની સમસ્યા નિર્માણ થાય નહીં તે માટે બાંગરે બંને તરફના અપ્રોચ રોડના ઠેકાણે ટ્રાફિકનું મેનેજમેન્ટ કરવા માટે પાલિકાના અધિકારી અને ટ્રાફિક પોલીસને આપસમાં સમન્વય રાખવાનો નિર્દેશ આપ્યો હતો.