Wed Aug 19 2026

Logo

કેજરીવાલ અને માનનું ચૂપચાપ આવવું અને જતા રહેવું ખૂબ ગંભીર, જાણો જગદીશ મહેતાએ ચૈતર વસાવાને લઈ શું કહ્યું?

2026-08-19 11:00:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગઈકાલે વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ ડેડિયાપાડાના ધારાસભ્ય અને આપના નેતા ચૈતર વસાવા સાથે મુલાકાત કરી હતી. આ મુદ્દે મુંબઈ સમાચારે જાણીતા રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા સાથે વાત કરી હતી.

કેજરીવાલ અને માનનું ચૂપચાપ આવવું અને જતા રહેવું ખૂબ ગંભીર

જગદીશ મહેતાએ મુંબઈ સમાચાર સાથે વાત કરતાં કહ્યું, ગુજરાતમાં ચૂંટણી ભલે આવતા વર્ષે હોય પરંતુ રાજકીય ગરમાવો અત્યારથી જ શરૂ થઈ ચુક્યો છે. ભાજપે ગુજરાતના પ્રભારીની નિમણૂક કરી છે, જેની સાથે ચૂંટણી બ્યૂગલ વાગી ગયું છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને મળવા પહોંચ્યા હતા. કેજરીવાલ અને માનનું ચૂપચાપ આવવું અને જતા રહેવું એથી પણ વધારે ગંભીર છે. કારણકે ચૈતર વસાવા હવે આમ આદમી પાર્ટીનો ધરોહર છે. પાર્ટી છે તૈ ચૈતર વસાવાની ગણાય, પણ ચૈતર વસાવા પાર્ટીના ન ગણાય એવી એની તાકાત ઉભી થઈ છે. 

ચૈતર વસાવા અને આદિવાસી પટ્ટાનું રાજકીય મહત્વ

જગદીશ મહેતાએ  ચૈતર વસાવા અને આદિવાસી પટ્ટાનું રાજકીય મહત્વ સમજાવતાં કહ્યું, ગુજરાત વિધાનસભાની 27 આદિવાસી અનામત બેઠકો અને અન્ય 19 બેઠકો મળીને કુલ 46 બેઠકો પર આદિવાસી મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ચૈતર વસાવા આદિવાસી પટ્ટામાં એક મજબૂત લડાયક નેતા તરીકે ઊભરી આવ્યા છે.

ડેમેજ કંટ્રોલ અને પક્ષપલટાની અટકળો

આ ઉપરાંત કેટલાક સમયથી એવી વાત આવી રહી છે કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીથી અલગ થઈને કઈંક નવું કરવા જઈ રહ્યા છે. આ વાતની ગંધ હાઈકમાન્ડને પણ આવી હોય. ચૈતર વસાવા પક્ષથી અલગ થઈને કંઈક નવો ચોકો રચે અથવા નવો રસ્તો અપનાવે તેવી ચર્ચાઓ વચ્ચે હાઈકમાન્ડ દ્વારા આ મુલાકાતને ડેમેજ કંટ્રોલના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.  આ મુલાકાત દરમિયાન કોઈ મોટી પ્રેસ કોન્ફરન્સ ન યોજવી એ બાબત રાજકીય રીતે સૂચક માનવામાં આવી રહી છે.

ભાજપ પ્રવેશ કે અલગ રાજકીય ઓળખ?

જગદીશ મહેતાએ કહ્યું, જો ચૈતર વસાવા સીધા ભાજપમાં જોડાય તો તેમનું વિપક્ષી લડવૈયા તરીકેનું હિરોઈઝમ ઓછું થઈ શકે છે. તેના બદલે તેઓ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસી પટ્ટા (જે 15 થી 18 લોકસભા બેઠકોને આવરી લે છે) સાથે જોડાયેલા અલગ વિચાર અને આદિવાસી અધિકારોના મુદ્દા પર પોતાનું સ્વતંત્ર રાજકીય અસ્તિત્વ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની ચર્ચા છે. ભાજપ, કોંગ્રેસ તેમજ અન્ય પક્ષોના અગ્રણી આદિવાસી નેતાઓ પણ પક્ષની સીમાઓથી પર જઈને ચૈતર વસાવાની ધરપકડ મામલે તેમના સમર્થનમાં અવાજ ઉઠાવી ચૂક્યા છે.