Sun Sep 13 2026

Logo

અંજારના મીઠીરોહરનો કુખ્યાત ગુનેગાર કાસમ સોઢાને કયા ચાર જિલ્લામાંથી કરાયો તડીપાર?

2026-08-19 12:04:00
Author: Mumbai Samachar Team
અંજારના મીઠીરોહરનો કુખ્યાત ગુનેગાર કાસમ સોઢાને કયા ચાર જિલ્લામાંથી કરાયો તડીપાર?

ભુજ: પૂર્વ કચ્છ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ બનાવવા તેમજ અસામાજિક તત્વો પર ધાક બેસાડવાના ભાગરૂપે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ અને અંજાર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા મહત્વપૂર્ણ  કાર્યવાહી કરવામાં આવી છે. અંજાર તાલુકાના મીઠીરોહર ગામના કુખ્યાત અને માથાભારે ગુનેગાર કાસમ ઉર્ફે 'ગુડબો' જુમા સોઢા સામે તડીપારનો આદેશ જારી કરીને તેને ચાર જિલ્લાની સરહદોમાંથી બહાર હાંકી કાઢવામાં આવ્યો છે.

મળતી વિગતો અનુસાર, આરોપી કાસમ સોઢા સામે અગાઉ શરીર સંબંધી (હુમલો, ધમકી) તેમજ મિલકત સંબંધી ગુનાઓ સહિત ત્રણ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ શખ્સ દ્વારા આચરવામાં આવતી અસામાજિક પ્રવૃત્તિઓ પર કાયદાકીય અંકુશ લાવવા માટે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથક દ્વારા એક વિસ્તૃત તડીપાર દરખાસ્ત તૈયાર કરી અંજાર પ્રાંત અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

ગાંધીધામ બી-ડિવિઝન પોલીસની દરખાસ્ત અને રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાને લઈ, અંજારના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એસ.જે. ચૌધરીએ આ દરખાસ્ત ગ્રાહ્ય રાખી હતી અને કાસમ સોઢાને તડીપાર કરવાનો હુકમ કર્યો હતો. આ હુકમના આધારે આરોપીને માત્ર કચ્છ જિલ્લામાંથી જ નહીં, પરંતુ પડોશી જિલ્લાઓ જેવા કે મોરબી, સુરેન્દ્રનગર અને પાટણની સરહદોમાંથી પણ ચોક્કસ સમયગાળા માટે તડીપાર કરવામાં આવ્યો છે.

પોલીસે આ હુકમની અમલવારી કરાવીને આરોપીને નિર્ધારિત હદ બહાર મોકલી આપવાની તજવીજ પૂર્ણ કરી છે. પૂર્વ કચ્છ પોલીસની આ કડક કાર્યવાહીથી ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વોમાં ફાળ પડી છે. 
  
(ઉત્સવ વૈદ્ય)