તહેરાન: ઈરાન અને અમેરિકાના વચ્ચે સાવ પેટ ઠારી શકાય તેવી શાંતિના એંધાણ દેખાતા નથી. ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા મોજતબા ખામેનેઈએ તેમના પિતા અને ફેબ્રુઆરીમાં ઈઝરાયેલ-અમેરિકન હુમલામાં માર્યા ગયેલા તત્કાલીન સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના મોતનો બદલો લેવાના શપથ લીધા છે. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અંતિમ સંસ્કાર દરમિયાન જાહેર કરેલા એક લેખિત સંદેશમાં મોજતબાએ જણાવ્યું હતું કે તેમના પિતા અને પૂર્વ નેતાની હત્યાનો બદલો લેવો એ દેશની માંગ છે અને તે ચોક્કસપણે પૂર્ણ થવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, "અમે શહીદ નેતા અને આ બંને યુદ્ધોના તમામ શહીદોના લોહીનો બદલો તે ગુનેગાર અને બદનામ હત્યારાઓ પાસેથી લેવાનું વચન આપીએ છીએ."
મળતી વિગતો અનુસાર, ખામેનેઈના અંતિમ સંસ્કારમાં અમેરિકન રાષ્ટ્રપતિની હત્યાની ખુલ્લી માંગ બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી હતી. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર આ પ્રતિક્રિયા ત્યારે આપી જ્યારે અમેરિકન અધિકારીઓએ માંગ કરી કે ઈરાન જાહેરમાં નિવેદન આપે કે હોર્મુઝ સ્ટ્રેટ (કોરિડોર) ખુલ્લો છે અને ત્યાંથી પસાર થતા જહાજો પર હુમલો કરવામાં આવશે નહીં. જોકે, તેહરાને હજુ સુધી આવું કોઈ નિવેદન આપ્યું નથી અને આ મહત્વપૂર્ણ જળમાર્ગ પોતાના જ નિયંત્રણમાં રહેશે તે વાત પર ભાર મૂક્યો છે.
અમેરિકાએ છેલ્લા કેટલાક દિવસોથી ઈરાનને નિશાન બનાવીને ફરીથી હવાઈ હુમલા શરૂ કર્યા છે, જેના જવાબમાં ઈરાને પશ્ચિમ એશિયાના કેટલાક દેશો પર હુમલા કર્યા છે. આ તણાવ આ સપ્તાહની શરૂઆતમાં હોર્મુઝમાં ત્રણ જહાજો પર ઈરાનના હુમલા બાદ શરૂ થયો હતો. આ બાબતે ટ્રમ્પે ચેતવણી આપતા લખ્યું કે, "એક હજાર મિસાઇલો તૈયાર છે અને તેમનું નિશાન ઈરાન છે. જો ઈરાન સરકાર તેની ધમકી પર અમલ કરશે તો તરત જ હજારો વધુ મિસાઇલો છોડવામાં આવશે." ટ્રમ્પે ઈરાનના તમામ વિસ્તારો અને સભ્યતાને સંપૂર્ણપણે નષ્ટ કરવાની ધમકી આપતા કટાક્ષમાં 'અલ્લાહ' શબ્દનો પ્રયોગ કર્યો હતો, જેની 'કાઉન્સિલ ઓન અમેરિકન-ઇસ્લામિક રિલેશન્સ' દ્વારા ઇસ્લામની મજાક ઉડાવવા બદલ કડક આલોચના કરવામાં આવી છે.
ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા અયાતુલ્લા સૈયદ અલી ખામેનેઈ અને તેમના પરિવારના અન્ય સભ્યોને ગુરુવારે મોડી રાત્રે મશહદ શહેરની 'ઈમામ રઝા દરગાહ' ખાતે સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા હતા. ઈરાનની ન્યૂઝ એજન્સી ઈરના (IRNA) મુજબ, મોડી રાત્રે અલી ખામેનેઈના મોટા પુત્ર હુજ્જતુલઇસ્લામ સૈયદ મુસ્તફા હુસૈની ખામેનેઈની આગેવાનીમાં લાખો લોકોએ જનાજાની નમાજ અદા કરી હતી. આ સાથે જ ઈરાન અને પડોશી દેશ ઈરાકના પાંચ શહેરોમાં છ દિવસથી ચાલી રહેલી શોકયાત્રા સંપન્ન થઈ છે, જેમાં કોમ, નજફ અને કર્બલા જેવા શહેરોમાં યોજાયેલા શોક સમારોહનો પણ સમાવેશ થાય છે.