Sat Jul 11 2026

Logo

રામ મંદિરના પ્રથમ CEO કોણ બનશે? ટ્રસ્ટની બેઠક બાદ વધી આતુરતા

2026-07-11 19:11:54
Author: Mumbai Samachar Team
Article Image

અયોધ્યાઃ રામ મંદિર દાનચોરીના વિવાદમાં દૈનિક ધોરણે તપાસ ચાલી રહી છે. આ તપાસમાંથી અનેક એવા ખુલાસા થઈ રહ્યા છે. આરોપીઓની પૂછપરછ બાદ પોલીસે અનેક એવા સ્થળ પર સર્ચ કર્યું હતું. બીજી તરફ હજુ પણ SITને કેટલાક લોકોની આ કેસમાં ફસાયેલા હોવાની આશંકા છે. ખાસ કરીને બેંક સ્ટાફને લઈને તથા બેંક સ્ટાફ સાથે આવતી અલગ એજન્સીના વ્યક્તિઓ તપાસ એજન્સીના રડારમાં છે. ટ્રસ્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદને ગંભીરતાથી લઈ અનેક દિશામાં તપાસ ચાલું છે ત્યારે ટ્રસ્ટે પણ કેટલાક ફેરફાર અંગે વિચારણા કરી લીધી છે. 

અધ્યક્ષનું મોટું નિવેદન

રામ મંદિરના દાનચોરી કેસમાં શનિવારે (11.7.2026)ના રોજ એક નવી કામગીરી જોવા મળી છે. સૂત્રોમાંથી વિગત એવી મળી છે કે, રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના CEO પદ માટે રચાયેલી સર્ચ કમિટીની દિલ્હીમાં એક બેઠક યોજાઈ હતી. આ કમિટીની બેઠકમાં પ્રમોદ કોહલી (નિવૃત્ત), લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) વિષ્ણુકાંત ચતુર્વેદી અને સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટના ભૂતપૂર્વ અધ્યક્ષ સુરેશ હાવરેએ ભાગ લીધો હતો. આ માહોલ વચ્ચે અધ્યક્ષ નૃપેશ મિશ્રાનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, દાનની હેરાફેરીનો મામલો કલંક સમાન છે. આ ભાવિકોની શ્રદ્ધા સાથે જોડાયલો મુદ્દો છે. મંદિરમાં વ્યવસ્થા સુધરશે અને ભવિષ્યમાં આવી ઘટના ફરીવાર ન બને એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. સમગ્ર કેસની તપાસમાં જે આરોપી હશે તેને આકરી સજા ભોગવવી પડશે. નવા CEOની નિયુક્તિ માટે ત્રણ સભ્યોની કમિટી જે બની છે એ જ અંતિમ નિર્ણય લઈ શકે છે. 

ચોક્કસ માપદંડ નક્કી કરાયા

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ માટે કેટલાક ઈચ્છુક વ્યક્તિઓએ પણ રસ દાખવ્યો છે. આ માટે કેટલાક માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, ન્યૂત્તમ શિક્ષણ હોવું અનિવાર્ય છે. એડમીન અથવા ફાયનાન્સનો 20 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ખાસ કરીને મંદિરનું મેનેજમેન્ટ સંભાળી શકે એવા વ્યક્તિને પ્રાથમિકતા આપવામાં આવશે. સૌથી મોટી અને ખાસ વાત એ છે કે, જે અરજી કરે તે હિન્દું હોવો જોઈએ. આ શરત ફરજિયાત છે. 18 જુલાઈ સુધી આ પદ માટે અરજી કરી શકાય છે. આ માટે ઈમેઈલ મારફતે પણ અરજી મોકલી શકાય છે. અરજી મળ્યા બાદ સમિતી અરજી કરનારા સાથે મહત્ત્વની ચર્ચા કરશે. ત્રણ વર્ષ માટે આ પદ રહેશે. સિક્લેશન થયા બાદ અયોધ્યામાં જ રહેવું પડશે. આ સિવાય કમિટીએ એક સચીવની નિયુક્તિ કરવાનો પણ નિર્ણય કર્યો છે. 1 મહિનામાં આ તમામ પ્રક્રિયા પૂરી થઈ જશે.