Sat Jul 11 2026

Logo

પશ્ચિમ બંગાળમાં UCCને લઈને મોટો નિર્ણય, હવે શું બદલાવ આવશે રાજ્યમાં?

2026-07-11 16:53:41
Author: Mumbai Samachar Team
Article Image

કૉલકાતાઃ પશ્ચિમ બંગાળ રાજ્ય સરકારે સમાન નાગરિક સંહિતા 2026ના ડ્રાફ્ટની સમીક્ષા કરી અને ફાયનલ ટચ આપવા માટે સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત જજ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં 9 સભ્યોની એક વિશેષ કમિટીનું ગઠન કર્યું છે. આ પ્રસ્તાવિત ડ્રાફ્ટ આગામી વિધાનસભા સત્રમાં રજૂ થાય એવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. શુક્રવારે જાહેર કરવામાં આવેલી એક સૂચનામાં રાજ્ય સરકારે કહ્યું હતું કે, વિધાનસભામાં રજૂ કરતા પહેલા આની વિશેષ સમિક્ષા કરવામાં આવશે. 

જવાબદારી સોંપવામાં આવી

આ સમિક્ષા કરવા માટે વિશેષ સમિતીનું ગઠન કરવામાં આવ્યું છે. આ સૂચનામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આ વિષયના પ્રભાવ અને પ્રકૃતિને ગંભીરતાથી લેતા યુનિફોર્મ સિવિલ કોડ, પશ્ચિમ બંગાળ 2026 નામનો એક ડ્રાફ્ટ બિલ તૈયાર કરીને એની યોગ્ય રીતે તપાસ અને સમિક્ષા કરવી અનિવાર્ય છે. આ સૂચનામાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, રાજ્યપાલે આ બિલની તપાસ માટે એક પ્રતિષ્ઠિત વ્યક્તિઓની સમિતીને જવાબદારી સોંપી છે.

તથાગત રોય (મેઘાલયના ભૂતપૂર્વ રાજ્યપાલ), દુષ્યંત નારિયાલા (IAS, નિવાસી કમિશનર) ,શત્રુઘ્ન સિંહ (નિવૃત્ત IAS અધિકારી) ,સંઘમિત્ર ઘોષ (મુખ્ય સચિવ, ગૃહ અને પર્વતીય બાબતો), ડૉ. રત્ના ભટ્ટાચાર્ય (નિવૃત્ત માનવશાસ્ત્ર પ્રોફેસર), ગોપાલચંદ્ર મિશ્રા (ભૂતપૂર્વ કુલપતિ, ગૌર બંગા યુનિવર્સિટી), ઉસ્માન ઘની મલ્લિક (એડવોકેટ, કોલકાતા હાઇકોર્ટ), નિર્મલ્ય ભટ્ટાચાર્ય (ભૂતપૂર્વ કાર્યકારી નિયામક) આ નવી સમિતીના સભ્ય છે. 

ભાજપનો વાયદો પૂરો થશે

મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ આ અઠવાડિયાની શરૂઆતમાં રાજ્ય વિધાનસભામાં યુસીસી લાગુ કરવાના પગલાની ઔપચારિક જાહેરાત કરી હતી. આ પગલું ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના મેનિફેસ્ટોમાં આપેલા મુખ્ય વચનને પૂર્ણ કરે છે, જેમાં રાજ્યમાં સત્તામાં આવ્યાના છ મહિનાની અંદર બિલ રજૂ કરવાનું વચન આપવામાં આવ્યું હતું.

ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈએ અગાઉ ઉત્તરાખંડ અને ગુજરાતમાં યુસીસી સમિતિઓની અધ્યક્ષતા કરી છે અને હાલમાં રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં સમાન પેનલોનું નેતૃત્વ કરી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બંગાળ પેનલ હાલના યુસીસી મોડેલનો અભ્યાસ કરશે, જેમાં આસામ મોડેલ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આનું કારણ એ છે કે આસામ અને પશ્ચિમ બંગાળ બંને વસ્તી વિષયક અને સ્થળાંતરને લગતા મોટાભાગે સમાન પડકારોનો સામનો કરે છે.

કાયદો સમાન રહેશે

સૂચના અનુસાર, રાજ્ય સરકારે આ ડ્રાફ્ટ બિલ પશ્ચિમ બંગાળના તમામ રહેવાસીઓ માટે, તેમના ધર્મ, શ્રદ્ધા અથવા સમુદાયને ધ્યાનમાં લીધા વિના, વ્યક્તિગત નાગરિક બાબતોનું સંચાલન કરતી એક સમાન કાનૂની માળખું બનાવવાના ઉદ્દેશ્યથી તૈયાર કર્યું છે. પ્રસ્તાવિત કાયદો લગ્ન, છૂટાછેડા, વારસો, ઉત્તરાધિકાર અને દત્તક લેવા જેવી બાબતો અંગે વિવિધ ધર્મોના વ્યક્તિગત કાયદાઓને બદલવા માટે એક સમાન કાયદો લાગુ કરશે. જો કે, આદિવાસી સમુદાયો સહિત ચોક્કસ ચોક્કસ વર્ગો દ્વારા ભોગવવામાં આવતી બંધારણીય છૂટ જાળવી રાખવામાં આવશે.