મુંબઈઃ તા. 10 જુલાઈના રોજ અભિનેત્રી અને લેખિકા સોહા અલી ખાનના શો 'ઓલ અબાઉટ હર' ના એપિસોડમાં, બોલીવુડ અભિનેત્રી શમિતા શેટ્ટીએ એન્ડોમેટ્રિઓસિસ સાથેના તેમના મુશ્કેલીભર્યા સંઘર્ષ વિશે દિલ ખોલીને વાત કરી હતી. એક્ટ્રેસે ચર્ચા કરી કે શા માટે આ ગંભીર સ્થિતિનું ઘણીવાર ખોટું નિદાન થાય છે અને લાખો સ્ત્રીઓ કેવી રીતે ચૂપચાપ તેની સાથે ઝઝૂમી રહી છે. શમિતાએ કહ્યું, "મને લાગે છે કે મારા કિસ્સામાં મેં ઘણા સમય સુધી આ બાબતને લંબાવી રાખી કારણ કે શરૂઆતમાં મને ખબર નહોતી કે ખરેખર શું સ્થિતિ છે. જ્યારે પણ મને ચોક્કસ લક્ષણોનો અનુભવ થતો, ત્યારે હું મારી જાતને કહેતી કે કદાચ આ સામાન્ય છે.
દુખાવાને ગંભીરતાથી લો
જ્યારે હું આ ચિંતાઓ સાથે પહેલી વાર મારા ગાયનેકોલોજિસ્ટ પાસે ગઈ, ત્યારે તેણે બધું બરાબર છે તેની ખાતરી કરવા માટે બધા નિયમિત ટેસ્ટ - પેપ સ્મીયર્સ અને તેના જેવા અનેક ટેસ્ટ કરાવ્યા. એકવાર રિપોર્ટ્સ સામાન્ય થઈ ગયા, પછી કોઈએ વધુ તપાસ કરવાનું વિચાર્યું નહીં. આ રીતે મામલો સમાપ્ત થઈ ગયો." આ સ્થિતિનું નિદાન શરૂઆતમાં ન થયું હોવાથી, શમિતાએ પોતાની પીડા પોતાની પાસે રાખી - આ વાસ્તવિકતા સ્ત્રીઓ માટે ખૂબ જ સામાન્ય છે. "જ્યારે પણ બીમારીના આવા લક્ષણો પાછા આવે છે, ત્યારે હું વિચારું છું કે, 'ગઈ વખતે કંઈ મળ્યું ન હતું, તેથી કદાચ આ સામાન્ય છે. કદાચ તે સ્ત્રી હોવાનો એક ભાગ છે.' આપણે ઘણીવાર ખરેખર અનુભવી રહેલા દુખાવાને વ્યક્ત કરતા નથી. ઘણી સમસ્યાઓ - પછી ભલે તે માસિક સ્રાવનો દુખાવો હોય કે હોર્મોનલ ચિંતાઓ - સ્ત્રીઓ માટે 'સામાન્ય' તરીકે છોડી દેવામાં આવે છે.
શરીરના સંકેતને સમજો
આપણી પાસેથી ફક્ત તેમની સાથે રહેવાની અપેક્ષા રાખવામાં આવે છે." જ્યારે શરીર જવાબો માંગે છે એ સમયે ખરેખર અલગ અહેસાસ થાય છે. શમિતાએ સમજાવ્યું કે, સ્થિતિ આખરે એવી વધી ગઈ કે તે હવે તેને અવગણી શકતી નથી. "મારા માટે, ઑપરેશન પહેલા લગભગ છ થી આઠ મહિના પહેલા દુખાવાની તીવ્રતા ખરેખર વધી ગઈ હતી. તે પહેલાં, તે એટલી ગંભીર નહોતી," શમિતાએ કહ્યું. "હું ખૂબ જ પીડાને સહન કરવામાં માનતી હતી. મેં વર્ષોથી વિવિધ ઈન્જરીઝ ભોગવી છે. હું સામાન્ય રીતે પીડા હોવા છતાં કામ કરતી રહું છું. પરંતુ જ્યારે પીડા મને ઊંઘમાંથી જગાડવા લાગી, ત્યારે મને ખ્યાલ આવ્યો કે કંઈક ગંભીર રીતે ખોટું છે. મારું શરીર સંકેત આપી રહ્યું હતું કે મારે કારણ શોધવાની જરૂર છે."