Mon Oct 05 2026

Logo

'પુષ્પા' પછી રશ્મિકાનો નવો ધમાકોઃ મિસા ફિલ્મના એક્શન સીનની તસવીરો થઈ વાયરલ

2026-07-10 22:04:29
Author: Mumbai Samachar Team
'પુષ્પા' પછી રશ્મિકાનો નવો ધમાકોઃ મિસા ફિલ્મના એક્શન સીનની તસવીરો થઈ વાયરલ

Mysaa


મુંબઈ: નેશનલ ક્રશ રશ્મિકા મંદાના હવે તેની આગામી ફિલ્મ 'મિસા'માં રોમેન્ટિક અંદાજ છોડીને જબરદસ્ત એક્શન અવતારમાં નજર આવશે. રશ્મિકા મંદાના તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સાથે સાથે બોલીવુડમાં પણ છવાઈ ચુકી છે. રશ્મિકાએ પોતાના ચાર્મ અને અભિનયના જાદુથી ફિલ્મજગતમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. રશ્મિકાએ પોતાના કરિયરના 10 વર્ષમાં સફળતાનાં શિખરો સર કરી લીધા છે, પરંતુ હજી પણ રશ્મિકાની અંદરનો કલાકાર સંપૂર્ણપણે સંતુષ્ટ થયો નથી. આ વાત તેની આગામી ફિલ્મ 'મિસા'ના શૂટિંગ સીન્સની તસવીરો જોયા બાદ કહી શકાય છે. 

પોતાની કરિયરમાં એક રોમેન્ટિક ગર્લના પાત્ર ભજવતી રશ્મિકા અત્યાર સુધી અડધા ડઝનથી વધારે સુપરહિટ ફિલ્મો આપી ચુકી છે. જેમાં 'પુષ્પા' અને 'પુષ્પા 2' જેવી ફિલ્મો પણ સામેલ છે. જેની કમાણીએ પણ એક રેકોર્ડ સર્જ્યો છે. હવે રોમાન્સથી હટકે જઈને રશ્મિકા એક્શન મોડમાં છે અને પોતાની આવનારી ફિલ્મ 'મિસા'ના એક્શન સીન્સ ફિલ્માવી રહી છે. જેની અમુક તસવીરો સોશ્યિલ મીડિયામાં જોવા મળી હતી. રશ્મિકા અંડર વૉટર ફાઈટવાળા સીન શૂટ કરી રહી છે. તેની પીઠ પાછળ ઊંડા ચાકુના નિશાન જોવા મળી રહ્યા છે, જે સીનના શૂટ પહેલા બનાવવામાં આવ્યા છે, જે 17 જુલાઈના રિલીઝ થશે.

ધમાકેદાર એકશનમાં જોવા મળશે 
ડિરેક્ટર રવિન્દ્ર ફુલેની આ ફિલ્મ શાનદાર એકશનની વાત કરી રહી છે અને થોડા દિવસ અગાઉ રિલીઝ થયેલા ટીઝરમાં પણ તેની ઝલક જોવા મળી હતી. રશ્મિકા ફિલ્મમાં એક દમદાર રોલમાં એકશન કરતી જોવા મળશે. ટીઝર જોયા બાદ ચાહકો પણ ઉત્સાહિત જોવા મળ્યા હતા. રશ્મિકા સાથે આ ફિલ્મમાં અન્ય એક્ટરોમાં રમેશ રાવ, ઈશ્વરી રાવ, પ્રવીણ દચરમ અને શત્રુ જોવા મળશે. ચાહકોને એવી આશા છે કે રશ્મિકા આ એકશનના પાત્રમાં કમાલ કરશે. 

રોમેન્ટિક પાત્રોમાં ભર્યા રંગ 
રશ્મિકા ફિલ્મી દુનિયામાં સૌથી ઓછા સમયમાં સૌથી વધારે સફળ થનાર જૂજ અભિનેત્રીઓમાંથી એક છે. તેણે પોતાના કરિયરની શરૂઆત 'ક્રીક પાર્ટી' ફિલ્મથી કરી હતી. આ ફિલ્મ સુપરહિટ રહી હતી ત્યાર બાદ રશ્મિકાએ એક પછી એક સુપરહિટ ફિલ્મોમાં પોતાની સુંદરતા અને અભિનયથી દર્શકોનું મનોરંજન કર્યું હતું. તેના 'પુષ્પા' ફિલ્મના પાત્રથી લઈને 'કોકટેલ 2' સુધીમાં ખૂબ સરાહના મળી હતી. હવે રશ્મિકા એક્શન ફિલ્મ માટે પણ તૈયાર છે. હવે જોવાનું રહેશે કે રશ્મિકાની આગામી ફિલ્મમાં તે દર્શકોની આશા પર ખરી ઉતરી શકશે કે નહીં.