રાજકોટઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીના દૂષણને ડામવા માટે પીજીવીસીએલએ ખાસ ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશમાં ચોરીના ક્નેક્શન, ચાલું લાઈનમાં વાયર્સ કરીને ચોરી કરવી, મીટરમાં ચેડા કરવા જેવી અનેક બાબતોનો સમાવેશ થાય છે. રાજકોટ શહેરમાં માત્ર પાંચ દિવસમાં જ દોઢ કરોડની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે. આ વિગત સામે આવતા સમગ્ર વીજ વિભાગમાં ચકચાર મચી હતી. શહેરના કાલાવડ રોડ, રૈયા રોડ, મોરબી રોડ, ભક્તિનગર સોસાયટી, કોઠારીયા રોડ, માધાપર ચોકડી સહિતના વિસ્તારોમાં 178 ટીમ ત્રાટકી હતી. ટીમ દ્વારા 4000 જેટલી જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
300થી વધારે વીજ ક્નેક્શનમાં ગેરરીતિ
જે દરમિયાન 364 વીજ કનેક્શનમાં ગેરરીતિ પકડાઈ હતી. વીજચોરોને કુલ રૂ.148.87 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જુદા જુદા વિસ્તારમાં જઈને વીજ વિભાગની ટીમે સવારથી ચેકિંગ શરૂ કર્યું હતું. જેમાં રહેણાંક વિસ્તારથી લઈને કર્મશિયલ વિસ્તારનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં મોટા પાયે વીજચોરી થતી હોવાની ચોક્કસ બાતમીના આધારે આ સર્ચ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પીજીવીસીએલની ઝુંબેશ અંગે માહિતી આપતા રાજકોટ શહેર વર્તુળ કચેરીના નાયબ ઇજનેરએ જણાવ્યું હતું કે, અમે અમારી વડી કચેરીની સૂચનાથી તારીખ 6 જુલાઈથી 10 જુલાઈ સુધી, પાંચ દિવસ રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારમાં પાવર ચોરી પકડવાની જે ચેકિંગની ઝુંબેશ અમે કરી છે અને એમાં ટોટલ 1800 જેવા વીજ જોડાણો ચેક કર્યા હતા.
કેટલી ચોરી પકડાઈ?
જેમાંથી 364 વીજ કનેક્શનમાં ગેરરીતિ જોવા મળેલી છે અને એની રકમની દ્રષ્ટિએ ગણીએ તો ટોટલ 147 લાખ જેવી પાવર ચોરી પકડવામાં આવી છે. એટલે કે ટોટલ 1.5 કરોડ જેવી પાવર ચોરી પકડી છે અને જે લોકો દંડનીય રકમ નહીં ભરે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકારના સરપ્રાઈઝ ચેકિંગને કારણે અન્ય એકમોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં વાયર અને મીટર થકી ચોરી કરવામાં આવી રહી છે.