Sat Jul 11 2026

Logo

ઈરાનના નવા સુપ્રીમ લીડરે પિતાના મોતનો બદલો લેવા લીધી પ્રતિજ્ઞા, અમેરિકા અને ઈઝરાયેલની ચિંતા વધશે

Tehran   2026-07-11 22:30:33
Author: Vimal Prajapati
Article Image

પિતા આયાતુલ્લાહ અલી ખામેનેઈની હત્યાનો બદલો લેવાનું નક્કી હોવાની લીધી પ્રતિજ્ઞા

તહેરાન: ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈએ તેમના પિતા આયાતુલ્લાહ અલી ખામેનેઈની હત્યાનો બદલો લેવાની જાહેરમાં પ્રતિજ્ઞા લીધી હોવાનું જાણવા મળ્યું છે. પિતાના અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ થયા બાદ મોજતબાનું આ પ્રથમ સત્તાવાર નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે અમેરિકા અને ઈઝરાયેલને ગંભીર પરિણામો ભોગવવાની ખુલ્લી ચેતવણી આપી છે અને કહ્યું છે કે આ બદલો લેવો 'નક્કી' છે.

એક પત્ર દ્વારા આપી કડક ચેતવણી

શુક્રવારે મોજતબા ખામેનેઈએ જાતે લખેલા એક પત્ર દ્વારા કહ્યું કે, આ બદલો આપણા સમગ્ર દેશની સામૂહિક ઈચ્છા છે અને તેને કોઈપણ સંજોગોમાં પૂરો કરવામાં આવશે. આ હુમલાનો વળતો જવાબ આપવો એ મારા કે અન્ય કોઈ સત્તાધારી અધિકારીઓના વ્યક્તિગત અસ્તિત્વ પર નિર્ભર નથી. અમે દુનિયામાં હોઈએ કે ન હોઈએ, પણ ઈરાન આ બદલો લઈને જ રહેશે’. ઈઝયારય અને અમેરિકા માટે આ મોટી ધમકી સાબિત થઈ શકે છે.

સુરક્ષાના કારણે પિતાના અંતિમ સંસ્કારથી રહ્યા દૂર

આયાતુલ્લાહ અલી ખામેનેઈના અવસાન બાદ મોજતબા ભલે ઈરાનના સર્વોચ્ચ નેતા બન્યા હોય, પરંતુ તેઓ હજુ સુધી જાહેરમાં સત્તાવાર રીતે સામે આવ્યા નથી. પોતાના પત્રમાં તેમણે ઈરાન અને પડોશી દેશ ઈરાકમાં તેમના પિતાની અંતિમયાત્રામાં ઉમટી પડેલી કરોડોની જનમેદનીનો આભાર માન્યો હતો. તેમણે આ ભીડને 'દુશ્મનોના હોશ ઉડાવી દેનારી' ગણાવી હતી. મોજતબાએ લખ્યું, ‘હું ઈરાન અને ઈરાકના વિવિધ શહેરો, ખાસ કરીને તેહરાન, કોમ, નજફ, કર્બલા અને મશહદમાં એકત્રિત થયેલી ઐતિહાસિક અને અદ્ભુત ભીડનો હૃદયપૂર્વક આભાર માનું છું’.

અંતિમ સંસ્કાર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

ઉલ્લેખનીય છે કે, અલી ખામેનેઈની હત્યાના આશરે ચાર મહિના બાદ શુક્રવારે મશહદ શહેરની પવિત્ર ઇમામ રઝા દરગાહ ખાતે તેમને દફનાવવામાં આવ્યા હતા. છ દિવસ સુધી ચાલેલા આ અંતિમ સંસ્કાર કાર્યક્રમમાં હજારો લોકો જોડાયા હતા, પરંતુ ભારે સુરક્ષા પ્રોટોકોલ અને જીવના જોખમને કારણે મોજતબા પોતે આનાથી દૂર રહ્યા હતા. હાલમાં ઈરાન અને અમેરિકા વચ્ચેનો યુદ્ધવિરામ પણ તૂટી ગયો છે, અને હુમલાઓ શરૂ થઈ ગયાં છે. જેના કારણે વૈશ્વિક શાંતિ ફરી ભંગ થઈ છે.