અમિત શાહ
બ્રિસ્ટલઃ માર્ચમાં ભારત ત્રીજી વખત ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન બન્યું એ સિદ્ધિનો ભારતીયો મન ભરીને પૂરો જશન કરે એ પહેલાં તો ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) શરૂ થઈ ગઈ અને એ ટૂર્નામેન્ટ પૂરી થઈ ત્યાં તો વર્લ્ડ નંબર-વન ભારતે બબ્બે ટી-20 સિરીઝમાં નામોશી જોવી પડી એટલે વિશ્વવિજેતાપદ તો જાણે ભુલાઈ જ ગયું છે. ભારતીય ટી-20 ટીમને એવા બે ઝટકા લાગ્યા કે જેને પગલે હેડ-કોચ ગૌતમ ગંભીર ભારતીય ટીમ પર ખફા છે.
આયરલૅન્ડ સામે ભારતીયો પહેલી જ વખત ક્રિકેટ મૅચ હાર્યા અને પછી 0-2થી સિરીઝ પણ હારી બેઠાં ત્યાં હવે ઇંગ્લૅન્ડ પહેલી જ વખત ભારત સામે ટી-20 શ્રેણી જીતવામાં સફળ થયું એટલે ભારતીય ટીમ પર ગૌતમ ગંભીર (Gambhir) ખૂબ ગુસ્સે છે. હૅરી બ્રૂકની ટીમે ગુરુવારે ભારત (India) સામે 3-0થી વિજયી સરસાઈ મેળવી ત્યાર બાદ હવે શનિવારે અંતિમ મૅચ પણ જીતીને તેઓ ભારતનો 4-0થી વાઇટવૉશ કરવાના મૂડમાં છે.
દરમ્યાન ભારતીય ટીમ ઇંગ્લૅન્ડમાં બે જૂથમાં પ્રવાસ કરી રહી છે. શનિવારની અંતિમ ટી-20 મૅચ (સાંજે 7.00 વાગ્યાથી લાઇવ) સાઉધમ્પ્ટનમાં છે. ભારતીય સ્ક્વૉડના સભ્યો અને કોચિંગ સ્ટાફના અડધા મેમ્બર સાઉધમ્પ્ટન પહોંચ્યા હતા અને કોચિંગ સ્ટાફના બીજા અડધા ભાગના મેમ્બર બર્મિંગમ પહોંચ્યા હતા જ્યાં ઇંગ્લૅન્ડ સામે મંગળવાર, 14મી જુલાઈએ શરૂ થનારી વન-ડે શ્રેણીમાં રમનારા ખેલાડીઓ પણ પહોંચી રહ્યા છે. રોહિત શર્મા તેમ જ વિરાટ કોહલી આ વન-ડે શ્રેણીમાં રમશે. વન-ડે ટીમના અમુક ખેલાડીઓ શનિવારે બપોરે 1.30 વાગ્યે એજબૅસ્ટનમાં પ્રૅક્ટિસ કરશે.
વન-ડે ટીમનો કૅપ્ટન શુભમન ગિલ તેમ જ જસપ્રીત બુમરાહ અને કે. એલ. રાહુલ સહિતના ખેલાડીઓ મંગળવારે શરૂ થનારી શ્રેણી માટેની પ્રૅક્ટિસનો આરંભ કરશે. જોકે વન-ડે ખેલાડીઓ યુ.કે.માં પોતપોતાની રીતે પ્રૅક્ટિસ કરવાના છે. ઇંગ્લૅન્ડ સામેની ટી-20 સિરીઝમાં 0-3થી પતન થયા બાદ હવે વન-ડે ટીમ બ્રિટિશરોને હરાવવા વધુ મક્કમ છે. ખાસ કરીને રોહિત-કોહલી (રો-કો) બ્રિટિશરોની ધરતી પર છેલ્લી વખત રમવાના છે.