Wed Sep 02 2026

Logo

લૉર્ડ્સની ઐતિહાસિક મહિલા ટેસ્ટમાં ભારતના 285 રનઃ સ્મૃતિ, હરમન, દીપ્તિની હાફ સેન્ચુરી

Lord's, London   2026-07-10 22:53:57
Author: Ajay Motiwala
લૉર્ડ્સની ઐતિહાસિક મહિલા ટેસ્ટમાં ભારતના 285 રનઃ સ્મૃતિ, હરમન, દીપ્તિની હાફ સેન્ચુરી

BCCI


લંડનઃ લૉર્ડ્સના ઐતિહાસિક મેદાન પર શુક્રવારે પહેલી જ વખત મહિલા ટેસ્ટ મૅચ શરૂ થઈ છે જેમાં ઇંગ્લૅન્ડ સામે ભારતીય ટીમ બૅટિંગ મળ્યા બાદ રાત્રે 285 રન પર ઑલઆઉટ થઈ ગઈ હતી જેમાં ઓપનર અને વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના (83 રન, 108 બૉલ, એક સિક્સર, અગિયાર ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. તે ક્રિકેટના મક્કા ગણાતા આ મેદાન પર ટેસ્ટની હાફ સેન્ચુરી કરનાર પ્રથમ મહિલા ખેલાડી બની હતી.

જોકે સ્મૃતિ (Smriti) ઐતિહાસિક સેન્ચુરીથી વંચિત રહી હતી. 1884માં (142 વર્ષ પહેલાં) પહેલી વાર પુરુષોની ટેસ્ટ લૉર્ડ્સ (Lord's)માં રમાઈ હતી અને એમાં ઇંગ્લૅન્ડ સામે ઑસ્ટ્રેલિયાના જ્યોર્જ ગિફેન (63 રન) હાફ સેન્ચુરી ફટકારનાર પ્રથમ બૅટ્સમૅન બન્યા હતા.

BCCI

ભારતે શુક્રવારે ચોથા જ રન પર શેફાલી વર્મા (0)ની વિકેટ ગુમાવી દીધી હતી. કૅપ્ટન હરમનપ્રીત કૌર (58 રન, 121 બૉલ, સાત ફોર) પણ હાફ સેન્ચુરી પૂરી કર્યા બાદ આઉટ થઈ હતી. પાંચમાંથી સ્મૃતિ સહિતની બે વિકેટ પેસ બોલર ઇસ્સી વૉન્ગે લીધી હતી. દીપ્તિ શર્મા (57 રન, 87 બૉલ, સાત બૉલ)એ પણ ટીમનો સ્કોર 300 રનની નજીક પહોંચાડવામાં સાથ આપ્યો હતો.

એ ઉપરાંત, જેમિમા રૉડ્રિગ્સે 35 રન બનાવીને મિડલ-ઑૅર્ડરને થોડો મજબૂત બનાવ્યો હતો. ઇંગ્લૅન્ડની બોલર્સમાં સૉફી એકલ્સ્ટને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યાં સુધીમાં ઇંગ્લૅન્ડે 13 રનમાં ઓપનર ટૅમી બ્યૂમૉન્ટની વિકેટ ગુમાવી હતી જે પેસ બોલર ક્રાંતિ ગૌડે લીધી હતી.