Mon Oct 05 2026

Logo

નગરપાલિકાના અધિકારીની મારપીટ: ભાજપના નગરસેવક સહિત ત્રણ સામે ગુનો

2026-07-10 20:29:44
Author: Yogesh C. Patel
નગરપાલિકાના અધિકારીની મારપીટ: ભાજપના નગરસેવક સહિત ત્રણ સામે ગુનો

મુંબઈ: રાયગડ જિલ્લાની મહાડ મહાનગરપાલિકાના વરિષ્ઠ અધિકારીની તેની જ ઑફિસમાં મારપીટ કરવા બદલ ભાજપના નગરસેવક સહિત ત્રણ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
આરોપીઓમાં નગરસેવક સૂરજ બામને, રાકેશ પાટીલ અને સાગર સુર્વેનો સમાવેશ થાય છે. 

પોલીસ ફરિયાદ અનુસાર ચીફ ઑફિસર ધનંજય સદાશિવ કોળેકર બુધવારે નગરપાલિકાની ઈમારતમાં આવેલી તેમની ઑફિસમાં કામમાં વ્યસ્ત હતા ત્યારે ત્રણેય આરોપી ત્યાં આવ્યા હતા. વૉર્ડ સંબંધી સમસ્યાઓ અંગે નગરસેવકે પ્રશ્ર્નો કર્યા હતા, જેને પગલે તેમની વચ્ચે દલીલો થઈ હતી. ઉગ્ર બોલાચાલી પછી વાત મારામારી સુધી પહોંચી હતી.

ત્રણેયે કરેલી કથિત મારપીટમાં કોળેકરને ઇજા થઈ હતી. સારવાર માટે તેમને મહાડ ગ્રામીણ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. કોળેકરની ફરિયાદને આધારે મહાડ સિટી પોલીસે ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં મારપીટ અને ગાળાગાળી કરી ધમકી આપવામાં આવી હોવાનું જણાવાયું હતું. ઘટનાને પગલે નગરપાલિકાના કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ત્રણેય વિરુદ્ધ કડક પગલાં લેવાની માગણી કરી હતી. (પીટીઆઈ)