Sat Jul 11 2026

Logo

પુણેમાં ઇમારત ધરાશાયી: 72 કલાક બાદ પણ બચાવ કામગીરી શરૂ:  કાટમાળ નીચે આઠ લોકો ફસાયા હોવાની આશંકા

2026-07-11 18:51:11
Author: Yogesh D. Patel
Article Image

PTI


પુણે: પુણે શહેરના મોશી ખાતે આવેલી ત્રણ માળની ઇમારત પર કચરાનો મોટો ઢગલો પડ્યાની ઘટનાના 72 કલાક બાદ પણ બચાવ કામગીરી ચાલી રહી હોઇ સત્તાવાળાઓએ એક પડકારજનક ઑપરેશનમાં ઉપરના સ્લેબને લગભગ તોડી નાખ્યો છે. કાટમાળ હેઠળ હજી આઠ લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) અને અન્ય એજન્સીઓ દ્વારા હાથ ધરાયેલા ઑપરેશનમાં સ્પેશ્યલાઇઝ્ડ ડિમોલિશન મશીન્સ સહિત લગભગ પંદર એક્સકેવેટર્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એનડીઆરએફની ટીમ શનિવાર મોડી રાત સુધીમાં બચાવ કામગીરી પૂર્ણ કરવાના પ્રયાસ કરી રહી છે. ધરાશાયી થયેલી ઇમારતની આસપાસ કચરો અને કાટમાળનો ઢગલો એકઠો થઇ ગયો છે, જેને કારણે ભારે ઉપકરણોને સુરક્ષિત રીતે ચલાવવા માટે ખૂબ ઓછી જગ્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

પિંપરી-ચિંચવડ ઇન્ડસ્ટ્રિયલ ટાઉનશિપના મોશી ખાતે કચરામાંથી વીજળી ઉત્પાદન કરવાના પ્લાન્ટની ઉપર બાંધવામાં આવેલી ઇમારત બુધવારે બપોરે ધરાશાયી થઇ હતી, જેમાં આશરે 18 લોકો કાટમાળ હેઠળ ફસાઇ ગયા હતા. બચાવ કામગીરી શરૂ થયાના 72 કલાકમાં નવ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે કાટમાળ નીચેથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. છેલ્લા બે દિવસમાં કોઇ પણ વ્યક્તિને જીવિત બહાર કાઢવામાં આવી ન હોવાથી કાટમાળ નીચે ફસાયેલા લોકોના પરિવારજનો ધીરજ ગુમાવી રહ્યા છે. (પીટીઆઇ)