નવી દિલ્હી: વિદ્યાર્થીઓની સંખ્યાને આધારે શિક્ષકના પદો મંજૂર કરવાના માપદંડમાં ફેરફાર કરવા અંગેના માર્ચ 2024ના સરકારી ઠરાવને પડકારતી અરજી પર મહારાષ્ટ્રનો જવાબ માગ્યો છે.
સિંધુદુર્ગ જિલ્લા શિક્ષણ સંસ્થા ચાલક મંડળ દ્વારા દાખલ કરાયેલી અરજી પર ન્યાયાધીશ પી.એસ. નરસિંહા અને આલોક આરાધેની બેન્ચે રાજ્ય સરકાર, શિક્ષણ કમિશનર અને અન્ય લોકોને નોટિસ પાઠવી છે. પિટિશનમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તરના સંદર્ભમાં બહાર પાડવામાં આવેલો આ સરકારી ઠરાવ (જીઆર) શિક્ષણ અધિકાર અધિનિયમ, 2009ની નીતિ અને યોજનાની વિરુદ્ધ છે.
15 માર્ચ, 2024ના જીઆરમાં મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે શિક્ષકોની જગ્યાઓ મંજૂર કરવાના માપદંડમાં ફેરફાર કર્યા હતા.
‘આ જીઆરનું પરિણામ એવું આવ્યું છે કે જે શાળાઓમાં વિદ્યાર્થીઓ ચોક્કસ સંખ્યાથી વધુ નથી, ત્યાં ઘણા વર્ગો માટે ફક્ત એક જ મંજૂર શિક્ષક હશે,’ એમ એડવોકેટ અજિત પ્રવીણ વાઘ દ્વારા દાખલ કરવામાં આવેલી પિટિશનમાં જણાવવામાં આવ્યું હતું.
‘વાસ્તવિક જોતાં આરટીઈ (શિક્ષણનો અધિકાર) કાયદા, 2009થી વિપરીત, 15.03.2024ના જીઆરમાં, વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર માપવા માટે વર્ગને એક એકમ તરીકે ગણવામાં આવતો નથી, પરંતુ એક વિભાગ એટલે કે પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિકને વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર માપવા માટે એક એકમ તરીકે ગણવામાં આવે છે,’ એમ અરજીમાં કહેવામાં આવ્યું છે.
આ અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ જીઆરના પરિણામે ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી ઘણી શાળાઓ/પડોશની શાળાઓ બંધ કરવામાં આવશે, જે આરટીઈ કાયદા 2009ના ઉદ્દેશ્યને નકારી કાઢશે.