Fri Sep 11 2026

Logo

મધ્ય પ્રદેશમાં પણ યુસીસી લાગુ કરવાની તૈયારી, કેબિનેટે મુસદ્દાને મંજૂરી આપી

2026-07-19 15:29:43
Author: Chandrakant Kanoja
મધ્ય પ્રદેશમાં પણ યુસીસી લાગુ કરવાની તૈયારી, કેબિનેટે મુસદ્દાને મંજૂરી આપી

ભોપાલ: ભાજપ શાસિત રાજ્યોમાં યુસીસી લાગુ કરવામાં આવી રહ્યું છે. જેમાં આ જ કડીમાં હવે મધ્ય પ્રદેશ પણ જોડાયું છે. આ અંગે મધ્ય પ્રદેશ કેબિનેટની બેઠકમાં યુસીસીના મુસદ્દાને મંજૂરી આપી દેવામાં આવી છે. તેમજ તેને સોમવારથી શરૂ થઈ રહેલા વિધાનસભામાં સત્રમાં રજૂ કરીને મંજૂર કરવામાં આવશે. 

સર્વાનુમતે યુસીસી બિલ- 2026ને મંજૂરી આપી

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કેબિનેટ બેઠક બાદ જણાવ્યું હતું કે, તમામ મંત્રીઓએ યુસીસીના  પ્રસ્તાવિત કાયદાને મજબૂત સમર્થન આપ્યું છે. મધ્યપ્રદેશ મંત્રીમંડળે પૂરા દિલથી અને સર્વાનુમતે યુસીસી બિલ, 2026 ને મંજૂરી આપી છે. હું મારા બધા મંત્રીમંડળ સાથીદારો અને રાજ્યના લોકોને અભિનંદન આપું છું. 

સમાનતા ભારતીય સભ્યતાનો મૂળભૂત સિદ્ધાંત 

આ બિલ હવે 20 જુલાઈથી શરૂ થતા વિધાનસભા સત્ર દરમિયાન રજૂ કરવા માટે તૈયાર છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સરકાર સમાનતાને ભારતીય સભ્યતાના મૂળભૂત સિદ્ધાંત તરીકે માને છે, અને આ પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને બિલનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે.

જરૂરી કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવશે

આ ઉપરાંત કેબિનેટની મંજૂરી બાદ રાજ્ય સરકાર સોમવારથી શરૂ થઈ રહેલા મધ્યપ્રદેશ વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન યુસીસી બિલ રજૂ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ગૃહમાં રજૂ થયા બાદ  બિલ પર વિગતવાર ચર્ચા થશે અને કાયદો બનતા પહેલા જરૂરી કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવશે. પ્રસ્તાવિત કાયદાનો ઉદ્દેશ્ય નાગરિક બાબતો માટે એક સમાન કાનૂની માળખું સ્થાપિત કરવાનો છે.

જાણો શું  છે યુસીસી બિલ ? 

યુસીસી બિલ લગ્ન, છૂટાછેડા, વારસો, દત્તક અને ઉત્તરાધિકાર જેવા મુદ્દાઓ અંગે તમામ નાગરિકો માટે ધર્મને અવગણીને એક સમાન નાગરિક કાયદો લાગુ કરવાનો પ્રયાસ કરે છે. હાલમાં આ બાબતોમાં વિવિધ ધાર્મિક સમુદાયોને અલગ વ્યક્તિગત કાયદા લાગુ છે. પ્રસ્તાવિત કાયદાનો હેતુ આને એકીકૃત કાનૂની માળખા સાથે બદલવાનો છે.