ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી હાલ શાનદાર ફોર્મમાં છે, ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ ODI મેચની સિરીઝમાં તેણે કુલ 240 રન બનાવ્યા, આ છતાં તાજેતરમાં ICCએ જાહેર કરેલી ODI બેટિંગ રેન્કિંગમાં વિરાટને નુકશાન પહોંચ્યું છે. વિરાટ પ્રથમ ક્રમેથી બીજા ક્રમે આવી ગયો છે. ન્યૂઝીલેન્ડના ડેરિલ મિશેલે હવે ODI બેટર્સ રેન્કિંગમાં પ્રથમ ક્રમે આવી ગયો છે.
નોંધનીય છે કે ન્યુઝીલેન્ડ સામેની સિરીઝની પહેલી મેચમાં વિરાટે 124 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેને કારણે ગત અઠવાડિયે તે ODI બેટિંગ રેન્કિંગમાં પ્રથમ ક્રમે આવી ગયો હતો. વિરાટ જુલાઈ 2021 બાદ પહેલી વાર ODI માં નંબર-1 બેટર બન્યો હતો. પરંતુ અઠવાડિયામાં જ તેનું આ સ્થાન છીનવાઈ ગયું.
ડેરિલ મિશેલે રનનો પહાડ ખડકયો:
ડેરિલ મિશેલે ભારત સામેની સિરીઝ દરમિયાન શાનદાર પ્રદર્શન કરતા 352 રન બનાવ્યા હતાં. પહેલી મેચમાં તેણે 71 બોલમાં 84 રન બનાવ્યા હતા, બીજી મેચમાં તેણે 117 બોલમાં 131 રનની અણનમ ઇનિંગ રમી અને ત્રીજી મેચમાં 131 બોલમાં 137 રન બનાવ્યા હતાં.
Virat Kohli's reign as the No.1 ODI batter is over as an in-form New Zealander rises to the top
— ICC (@ICC) January 21, 2026
Details https://t.co/G5NUvco7AM
મિશેલ લાંબા સમય સુધી નંબર વન પર રહેશે:
845 રેટિંગ પોઈન્ટ સાથે ડેરિલ મિશેલ પહેલા સ્થાને છે, ડેરિલ મિશેલની કારકિર્દીનું આ શ્રેષ્ઠ રેટિંગ છે. વિરાટ કોહલી 795 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. આમ પહેલા અને બીજા નંબરના બેટર વચ્ચે ઘણો મોટો તફાવત છે, ડેરિલ મિશેલ લાંબા સમય સુધી નંબર વન પર રહી શકે છે.
ODI બેટિંગ રેન્કિંગમાં વિરાટની પાછળ ઈબ્રાહિમ ઝદરાન, રોહિત શર્મા, શુભમન ગિલ અને બાબર આઝમ છે.