દુબઈ: ICCએ મેન્સ T20 વર્લ્ડકપ 2026માં બાંગ્લાદેશના મેચ ભારતની બહાર ખસેડવાની વિનંતી નકારી કાઢતા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે(BCB)એ ટુર્નામેન્ટમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન બાંગ્લાદેશને સમર્થન આપતા પાક્સિતાન ક્રિકેટ બોર્ડ(PCB)એ ICC પર પક્ષપાતનો આરોપ લગાવ્યો છે અને વર્લ્ડ કપના બહિષ્કારની ધમકી આપી છે. એવામાં અહેવાલ છે કે ICCએ PCB પર પ્રતિબંધો લગાવવાની ચેતવણી આપી છે, જેને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાકિસ્તાનને મોટો ફટકો પડી શકે છે.
PCBના વડા અને પાકિસ્તાનના ગૃહ પ્રધાન મોહસીન નકવીએ ICC પર "બેવડા ધોરણો" અપનાવવાનો આરોપ લગાવ્યો. નકવીએ એમ પણ કહ્યું હતું કે BCBના સમર્થનમાં PCB પણ T20 વર્લ્ડકપ 2026નો બહિષ્કાર કરી શકે છે. તેમણે અન્ય દેશોના ક્રિકેટ બોર્ડને પણ બાંગ્લાદેશએ સમર્થન આપવા અપીલ કરી હતી.
પાકિસ્તાન ક્રિકેટ પર આવી શકે છે મુસીબત:
એક મીડિયા અહેવાલ મુજબ નકવીએ કરેલી ટીપ્પણીઓથી જય શાહની આગેવાની હેઠળનું ICC બોર્ડ નારાજ છે. જો PCB T20 વર્લ્ડકપ 2026માંથી ખસી જવાનો નિર્ણય લે, તો ICC પાકિસ્તાન પર પ્રતિબંધો લાદી શકે છે. અહેવાલ મુજબ પાકિસ્તાનની કેટલીક દ્વિપક્ષીય સિરીઝ સસ્પેન્ડ કરવામાં આવી શકે છે, એશિયા કપમાંથી પણ પાકિસ્તાનને બહાર કરવામાં આવી શકે છે અને વિદેશી ખેલાડીઓને પાકિસ્તાન સુપર લીગ(PSL) માં ભાગ લેતા અટકાવવા આવી શકે છે.
આવા પ્રતિબંધો લાગુ થાય તો PCBની આવકને મોટો ફટકો પડી શકે છે. પાકિસ્તાનમાં ક્રિકેટ કલ્ચરને નુકસાન પહોંચી શકે છે, જેના કારણે પાકિસ્તાનની ટીમને મુખ્ય ICC ઇવેન્ટ્સ સિવાય કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમવા નહીં મળે.
અંતિમ નિર્ણય શેહબાઝ શરીફનાં હાથમાં:
જો કે PCBએ T20 વર્લ્ડકપ 2026માંથી ખસી જવાનો નિર્ણય કર્યો નથી, નકવીએ શાબ્દિક રીતે આ વાત કહી હતી. નકવીએ કહ્યું હતું કે અંતિમ નિર્ણય પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફ જ લેશે.
PCB ટુર્નામેન્ટમાંથી ખસી જવાનો નિર્ણય કરે એવી શક્યતા ખુબ જ ઓછી છે.
નકવીએ શું કહ્યું હતું?
પત્રકારો સાથે વાત કરતા નકવીએ કહ્યું હતું, "બાંગ્લાદેશ સાથે અન્યાય થઇ રહ્યો છે, એક દેશ જ્યારે ઈચ્છે ત્યારે કોઈપણ નિર્ણય લઈ રહ્યો છે. બાંગ્લાદેશ પાકિસ્તાનની જેમ જ ICCનું ફૂલટાઈમ મેમ્બર છે. જો પાકિસ્તાન અને ભારતને સુવિધા આપવામાં આવતી હોય, તો બાંગ્લાદેશને પણ એ જ નિયમો લાગુ પડે છે."
નોંધનીય છે કે ICCએ મેન્સ T20 વર્લ્ડકપ 2026 ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં રમાશે, પાકિસ્તાન ટીમની તમામ ગ્રુપ સ્ટેજ મેચ ભારતની બહાર શ્રીલંકામાં રમશે. પાકિસ્તાનની ટીમને ધ્યાનમાં રાખીને પહેલી સેમીફાઈનલ અને ફાઈનલ મેચનું સ્થળ નકી કરવામાં આવશે.