ગાંધીનગર: ગુજરાતની સમૃદ્ધ હસ્તકલા પરંપરા સદીઓથી દેશ-વિદેશમાં પોતાની વિશિષ્ટ ઓળખ ધરાવે છે. વૈશ્વિક સ્પર્ધાના સમયમાં આ કારીગરોને સશક્ત બનાવવું સમયની મોટી જરૂરિયાત બની છે. ગુજરાત સરકારે વર્ષ 2020માં "હસ્તકલા સેતુ યોજના"(HSY)શરૂ કરી હતી. જે આજે કલા કારીગરો માટે મજબૂત આર્થિક પ્રોત્સાહનનો સેતુ સાબિત થઈ છે.
હસ્તકલા સેતુ યોજના પર ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 58 કરોડનો ખર્ચ
ગુજરાતમાં હસ્તકલા સેતુ યોજનાનું અસરકારક અમલીકરણ કરવામાં આવ્યું છે, જેના કારણે રાજ્યના હજારો કારીગરોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. આ યોજનાનું અમલીકરણ કુટિર અને ગ્રામોદ્યોગ કમિશનરની કચેરી હસ્તક ઇન્ડેક્સ્ટ-સી દ્વારા કરવામાં આવી રહ્યું છે, જ્યારે ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (EDII)એ આ યોજનામાં નૉલેજ પાર્ટનર તરીકે મહત્વની ભૂમિકા ભજવી છે. આ યોજના પર રાજ્ય સરકાર દ્વારા અંદાજે ₹58 કરોડ ખર્ચવામાં આવ્યા છે.
34 જિલ્લાઓમાં અમલી બનાવવામાં આવી
આ યોજના ગુજરાતના તમામ 34 જિલ્લાઓમાં અમલી બનાવવામાં આવી છે. યોજના હેઠળ અત્યારસુધીમાં 21,690થી વધુ કારીગરોની નોંધણી કરવામાં આવી છે. જેમાંથી 82 ટકા મહિલાઓ છે. હસ્તકલા સેતુ યોજના હેઠળ કારીગરોને આત્મનિર્ભર બનાવવા માટે વ્યાપક તાલીમ પણ આપવામાં આવી છે. 15,586 કારીગરોને ઉદ્યોગસાહસિકતા વિકાસ તાલીમ આપવામાં આવી છે, જ્યારે 9,292 કારીગરોને તેમના ક્ષેત્ર સાથે સંબંધિત વિશિષ્ટ કૌશલ્ય તાલીમ મળી છે.
બજાર સાથે જોડાણ આ યોજનાનું સૌથી મજબૂત પાસું
આ ઉપરાંત બજાર સાથે જોડાણ આ યોજનાનું સૌથી મજબૂત પાસું છે. લગભગ 9,300 કારીગરોને B2B ઑર્ડર દ્વારા સીધા બજાર સાથે જોડવામાં આવ્યા છે. આ સિવાય 7 B2B મીટ અને 4 ફૅશન શૉ દ્વારા કારીગરો અને ડિઝાઇનરો વચ્ચે મજબૂત સંવાદ સ્થાપિત થયો છે. ડિજિટલ યુગને અનુરૂપ 2,000થી વધુ કારીગરોને ડિજિટલ માર્કેટિંગની તાલીમ આપીને તેમને એમેઝોન (Amazon),ફ્લિપકાર્ટ સમર્થ (Flipkart Samarth),મિશો (Meesho) અને Etsy જેવા ઇ-કોમર્સ પ્લેટફૉર્મ પર જોડવામાં આવ્યા છે.
આ યોજનાનો આર્થિક પ્રભાવ પણ ખૂબ જ અસરકારક રહ્યો છે. આ યોજના હેઠળ, અત્યાર સુધીમાં ₹102.08 કરોડનું કુલ વેચાણ નોંધાયું છે અને 50,000થી વધુ નવા રોજગારના અવસરો ઊભા થયા છે. વધુમાં હાલના 5,900થી વધુ કારીગરોને વધારાની સહાય અને માર્ગદર્શન મળ્યું છે.
કારીગરોની સંખ્યા 9 ટકાથી વધીને 50 ટકા સુધી પહોંચી
આ યોજના હેઠળ અગાઉ માત્ર 9 ટકા કારીગરો જ ₹15,000થી વધુ માસિક આવક મેળવી શકતા હતા, જ્યારે આજે આ આંકડો 50 ટકા સુધી વધી ગયો છે. હસ્તકલાને આવકના મુખ્ય સ્ત્રોત તરીકે અપનાવનાર કારીગરોની સંખ્યા પણ 20 ટકાથી વધીને 45 ટકા થઈ છે. ઉપરાંત; 73 ટકા કારીગરો હવે પ્રદર્શનો અને મેળાઓ દ્વારા સીધા બજાર સુધી પહોંચ બનાવી રહ્યા છે.