Sat Sep 05 2026

Logo

ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ પર મોટો નિર્ણય, શું ભારતને થશે ફાયદો, જાણો

2026-06-02 11:33:00
Author: Mumbai Samachar Team
ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ પર મોટો નિર્ણય, શું ભારતને થશે ફાયદો, જાણો

નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ)ના તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ (આયાત ડ્યુટી) ઘટાડાની જાહેરાત કરી છે. અમેરિકી ટેરિફમાં આ ઘટાડો પસંદગીની કેટલીક કૃષિ પેદાશો (એગ્રિકલ્ચર પ્રોડક્ટ્સ) અને ઔદ્યોગિક ઉપકરણો પર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી અમેરિકા તરફથી આ વસ્તુઓ પર 25% ટેરિફ લાગુ હતો, જેને ટ્રમ્પે ઘટાડીને 15% કરવાની જાહેરાત કરી છે.

ટ્રમ્પે કેમ લીધો આ નિર્ણય?

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી જાહેરાત મુજબ આ ટેરિફ ઘટાડો ડિસેમ્બર 2027 સુધી અમલમાં રહેશે. આ પગલાનો મુખ્ય હેતુ સ્થાનિક ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ) અને કૃષિ ઉત્પાદનને મજબૂત બનાવવાની સાથે આ સેક્ટર સાથે જોડાયેલા વ્યવસાયો માટે ખર્ચ ઘટાડવાનો છે. આ ટેરિફ ઘટાડો કમ્બાઈન (પાક લણવાનું મશીન), હાર્વેસ્ટર અને અન્ય કૃષિ સાધનો સહિત ઘણી બધી કૃષિ મશીનરીઓ પર લાગુ થશે.

શું ભારતને લાભ મળશે?

અહેવાલો અનુસાર, અમેરિકા તરફથી ટેરિફ ઘટાડા (US Tariff Cut)ની આ રાહત એવા દેશોને આપવામાં આવી છે, જેમની સાથે વેપાર કરાર (ટ્રેડ એગ્રીમેન્ટ) થયેલા છે. એટલે કે, અમેરિકાના વેપાર કરારો હેઠળ આવતા દેશોમાંથી આયાત કરવામાં આવતા બુલડોઝર, ફોર્કલિફ્ટ અને આ પ્રકારની જ અન્ય ઔદ્યોગિક મશીનરી તથા ખેતીના સાધનો પર હવે 15% ટેરિફ લાગશે, જે પહેલાં 25% હતો. અહીં એ સ્પષ્ટ કરી દઈએ કે ભારતને આનો ફાયદો મળતો નથી દેખાઈ રહ્યો, કારણ કે હજી સુધી 'યુએસ-ઇન્ડિયા ટ્રેડ ડીલ' (અમેરિકા-ભારત વેપાર કરાર) ફાઇનલ નથી થઇ.

ટ્રમ્પે આ સ્કીમ પણ શરૂ કરી

ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને સ્થાનિક સ્તરે ઉત્પાદિત સ્ટીલ અને એલ્યુમિનિયમની માંગને પ્રોત્સાહન આપવાના હેતુથી એક વધારાની પ્રોત્સાહક યોજના (ઇન્સેન્ટિવ સ્કીમ) શરૂ કરવાની પણ જાહેરાત કરી છે. આ યોજના હેઠળ, વિદેશી ઉત્પાદકો 10% કે તેનાથી પણ ઓછા ટેરિફ રેટનો લાભ ઉઠાવી શકશે, પરંતુ તેના માટે શરત એ રહેશે કે તેમના દ્વારા આયાત કરવામાં આવેલા કેપિટલ ઇક્વિપમેન્ટમાં વજનના હિસાબે ઓછામાં ઓછું 85% સ્ટીલ કે એલ્યુમિનિયમ અમેરિકાનું વપરાયેલું હોવું જોઈએ.