ગાંધીનગર: ગુજરાતની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને નાનપણથી જ રમતગમત પ્રત્યે રુચિ કેળવાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. જેમાં રાજ્યની 34,000 થી વધુ સરકારી શાળાઓને અત્યાધુનિક સ્પોર્ટ્સ કિટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-NEP-2020ના સૂચનો મુજબ, રમતગમતને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
કિટ્સમાં વિવિધ સાધનોનો સમાવેશ
જેમાં શાળાઓને ફાળવવામાં આવેલી આ અત્યાધુનિક કિટ્સમાં વિદ્યાર્થીઓની જરૂરિયાત મુજબના વિવિધ સાધનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ઇન્ડોર ગેમ્સ: કેરેમ બોર્ડ રેગ્યુલર અને સ્મોલ સાઈઝ, સ્ટ્રાઈકર, ચેસ સેટ, આઉટડોર ગેમ્સમાં વુડન ક્રિકેટ બેટ વિવિધ સાઈઝ, ટેનિસ બોલ (સોફ્ટ-હાર્ડ), ક્રિકેટ સ્ટમ્પસ, ફૂટબોલ, વોલીબોલ, હેન્ડબોલ અને બેડમિન્ટન સેટ, એથ્લેટિક્સ અને ફિટનેસ જેવેલીન (ભાલો), ડિસ્કસ (ચક્ર ફેંક), શોટપુટ (ગોળા ફેંક), હર્ડલ સેટ, સ્કીપીંગ રોપ, સ્ટોપવોચ, રેલે બેટોન્સ અને માર્કિંગ કોન સેટ.
શાળાઓ માટે બજેટમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી
NEP-2020 અંતર્ગત ગુણવત્તાયુક્ત શિક્ષણના ભાગરૂપે, રાજ્યની તમામ સરકારી શાળાઓ અને પીએમ શ્રી શાળાઓ માટે બજેટમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. રમતગમત દ્વારા શિક્ષણના અભિગમથી વિદ્યાર્થીઓમાં માત્ર શારીરિક ચપળતા જ નહીં, પરંતુ સંઘભાવના, સહકાર, સ્વ-શિસ્ત, જવાબદારી અને આત્મનિર્ભરતા જેવા જીવન કૌશલ્યોનો પણ વિકાસ થશે.
રાજ્ય સરકારના સઘન પ્રયાસો
જેમાં 'સમગ્ર શિક્ષા' અભિયાન હેઠળ વિદ્યાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં સરેરાશ 30 વિવિધ સાધનોની એક કિટ મુજબ ફાળવણી કરવામાં આવી છે. આ પહેલ ભારત સરકારના 'Fit India Movement' ના લક્ષ્યોને સિદ્ધ કરવામાં પાયાનું યોગદાન આપશે. રાજ્ય સરકારના આ સઘન પ્રયાસોથી ગ્રામીણ અને શહેરી સ્તરે રહેલી ખેલ પ્રતિભાઓને યોગ્ય મંચ મળશે, જે ભવિષ્યમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કરશે.