ટેન્કરને બચાવવાના ચક્કરમાં બસ સામસામે અથડાઈ, બસમાં આગ લાગતા અફડાતફડી
સુરત: સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં એક અત્યંત ગોઝારા અકસ્માતની ઘટના ઘટી હતી. બારડોલીના ઉવા ગામ નજીક ધુલિયા હાઇવે પર મહારાષ્ટ્ર પાસિંગની બે સરકારી એસ. ટી. બસ અને એક ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક ટક્કરમાં પાંચ જેટલા મુસાફરના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ દુર્ઘટનામાં અન્ય અનેક મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાથી આગામી સમયમાં મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા સેવાઈ રહી છે.
આ અકસ્માત કઈ રીતે સર્જાયો તે અંગે મળતી વિગતો અનુસાર હાઇવે પર એક ટેન્કર પલટી ખાઈ ગયું હતું. આ પલટી ગયેલા ટેન્કર સાથે અથડાવાનું ટાળવાના પ્રયાસમાં મહારાષ્ટ્ર એસ.ટી. બસના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, પરિણામે બસ ડિવાઇડર કૂદીને રોંગ સાઇડ પર ઘૂસી ગઈ હતી અને સામેથી આવતી અન્ય એક મહારાષ્ટ્ર એસ.ટી. બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ સામસામે થયેલી ટક્કર એટલી ભીષણ હતી કે બંને બસનો સંપૂર્ણપણે કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાંથી એક બસ રસ્તા પર પલટી મારી ગઈ હતી.
અકસ્માત સર્જાયા બાદ પરિસ્થિતિ ત્યારે વધુ ડરામણી બની ગઈ જ્યારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માતનો ભોગ બનેલી એક બસ સીએનજી (CNG) સંચાલિત હતી.
ટક્કર થયાની ગણતરીની સેકન્ડોમાં જ વાહનમાં આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર વાહનને પોતાની લપેટમાં લઈ લીધું હતું. આ ભયાનક દ્રશ્યોને કારણે ઘટનાસ્થળે મુસાફરો અને રાહદારીઓમાં ભારે નાસભાગ અને અફડાતફડી મચી ગઈ હતી.
દુર્ઘટનાની જાણ થતાં જ બારડોલીથી ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયરના જવાનોએ આગ પર કાબૂ મેળવવા અને ફસાયેલા મુસાફરોને રેસ્ક્યૂ કરવાના પ્રયાસો યુદ્ધના ધોરણે શરૂ કર્યા હતા.
વહીવટી તંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી ઝડપી બનાવી તમામ ઈજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ, સ્થાનિક પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને પંચનામું કરવાની કાર્યવાહી શરૂ કરી છે અને આ અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે.