Tue Jun 02 2026

Logo

દક્ષિણ મુંબઈમાં વારંવાર વીજપુરવઠો ખંડિત થતો રોકવા બેસ્ટનો એક્શન પ્લાન

2026-06-02 22:26:01
Author: Sapna Desai
Article Image

વીજપુરવઠામાં સુધારણા કરવા  ૨૦ કરોડ રૂપિયાની જોગવાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
:  દક્ષિણ મુંબઈમાં છેલ્લા થોડા દિવસથી દિવસના સમયે જ નહીં પણ રાતના સમયે પણ કલાકોને કલાકો સુધી વીજ પુરવઠો ખંડિત થઈ રહ્યો હોવાના ઉપરાઉપરી બનાવ બની રહ્યા છે, તેથી કંટાળેલા નાગરિકોએ  બેસ્ટ ઉપક્રમ સામે ધરણા કરવાની ચીમકી આપી હતી, જેમાં રાજકીય પક્ષોએ પણ ઝુકાવતા આખરે બેસ્ટ પ્રશાસનને તેની નોંધ લેવી પડી હતી.  વારંવાર વીજપુરવઠો ખંડિત થતો રોકવા માટે બેસ્ટ ઉપક્રમે એક્શન પ્લાન અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે, તે માટે ખાસ ૨૦ કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી  છે. 

આકરા ઉનાળા વચ્ચે મુંબઈગરા પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે તેમાં છેલ્લા એકાદ મહિનાથી દક્ષિણ મુંબઈના ગિરગાંવ, પરેલ, કરી રોડ જેવા વિસ્તારોમાં દિવસના જ નહીં પણ રાતના સમયે પણ કલાકો સુધી વીજળીના ધાંધિયા રહ્યા હતા. અનેક વખત ફરિયાદ પણ બેસ્ટ પ્રશાસન નાગરિકોને ફરિયાદ પ્રત્યે દુર્લક્ષ કરી રહી હતી. છેવટે રાજકીય પક્ષોની મદદથી નાગરિકોએ વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપ્યા બાદ બેસ્ટ પ્રશાસનને તેની દખલ લેવી પડી હતી.

બેસ્ટ ઉપક્રમના અધિકારીએ જણાવ્યું હતું કે  બેસ્ટની વિશ્ર્વસનીયતા સુધારવા માટે બેસ્ટ દ્વારા ૨૦ કરોડ રૂપિયાનો એક્શન પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે. આ યોજનામાં કેબલ ફોલ્ટ રિપેરને ઝડપી બનાવવા અને વીજળી પુરવઠો વધુ ઝડપથી પુન:સ્થાપિત કરવા માટે વધારાના માનવબળ અને સાધન ઉપલબ્ધ કરાવવા માટે ૨૦ કરોડ રૂપિયાની ખાસ જોગવાઈ કરવામાં આવી છે. 
અધિકારીએ જણાવ્યું હતું કે આ પહેલના ભાગરૂપે, ફોલ્ટ-રિપેર કાર્યને ઝડપી બનાવવા માટે લગભગ ૬૯૦ ફિલ્ડ વર્કરોની ભરતી કરવામાં આવશે.

વધુમાં, બેસ્ટના ટ્રાન્સપોર્ટ ડિવિઝનમાંથી ૧૨૭ મોટર વાહન ડ્રાઇવરો અને ૧૦૦ મિકેનિક્ને પાવર સપ્લાયની ફરિયાદોના નિરાકરણમાં મદદ કરવા માટે અસ્થાયી રૂપે ટ્રાન્સફર કરવામાં આવશે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, કેબલ ફોલ્ટ દરમિયાન વીજળીનો ઝડપી પુન:સ્થાપન સુનિશ્ર્ચિત કરવા માટે ઉપક્રમ ડીઝલ જનરેટર સેટ અને એરિયલ લિફ્ટ પણ ક્રૂ સાથે ભાડે રાખશે. 
અધિકારીએ જણાવ્યું હતું કે વીજપુરવઠો ખંડિત થવાની ફરિયાદોના ઝડપી નિરાકરણ માટે તારદેવ વિસ્તારમાં એક વધારાનું ફોલ્ટ કંટ્રોલ સેન્ટર સ્થાપિત કરવામાં આવશે. તેના વિતરણ નેટવર્કમાં વીજળી પુરવઠાની વિશ્ર્વસનીયતા વધારવા માટે ગંભીર કેબલ ખામીઓનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવશે.

નોંધનીય છે કે બેસ્ટ ઉપક્રમ દક્ષિણ મુંબઈમાં ૧૦ લાખથી વધુ ગ્રાહકોને બેસ્ટ ઉપક્રમ દ્વારા  વીજળી પૂરી પાડવામાં આવે છે.  આકરા ઉનાળાને કારણે વીજળીની માગમાં વધારો થતાં ગિરગાંવ, ડોંગરી, લાલબાગ, દાદર અને એન્ટોપ હિલ જેવા વિસ્તારોમાં વારંવાર વીજળી ગુલ થઈ રહી છે, જેના કારણે રહેવાસીઓને અસુવિધા થઈ રહી છે.