અમદાવાદઃ રવિવારે રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (RCB) સામેની આઇપીએલની ફાઇનલમાં પ્રથમ બૅટિંગ મળ્યા પછી ગુજરાત ટાઇટન્સ (જીટી)એ શરૂઆત તો ખરાબ કરી જ હતી, ત્રીજી જ ઓવરમાં બાવીસમા રન પર કૅપ્ટન શુભમન ગિલની વિકેટ પડ્યા બાદ અનુભવી અને સફળ બૅટ્સમૅન જૉસ બટલરને બદલે બિન-અનુભવી નિશાંત સિંધુને બૅટિંગમાં મોકલવા બદલ હેડ-કોચ આશિષ નેહરાની ટીકા થઈ રહી છે.
જીટીના ડિરેકટર ઑફ ક્રિકેટ વિક્રમ સોલંકીએ નિશાંત સિંધુવાળો નિર્ણય નેહરાએ લીધો હોવાનું કહીને સંકેત આપ્યો હતો કે એ નિર્ણય ટીમને બહુ મોંઘો પડ્યો. બટલરની ગણના વાઇટ-બૉલ ક્રિકેટના સૌથી વિસ્ફોટક અને આધારભૂત બૅટ્સમેનોમાં થાય છે. એ દિવસે તે ડગઆઉટમાં પૅડ પહેરીને તૈયાર જ બેઠો હતો છતાં નિશાંત (NISHANT)ને ત્રીજા સ્થાને મોકલવામાં આવ્યો હતો. આ નિર્ણયની એબી ડિવિલિયર્સે પણ ટીકા કરી હતી.
ગુજરાતની ટીમ આઠ વિકેટે માત્ર 155 રન બનાવી શકી હતી અને મૅચ વન-સાઇડેડ થઈ જતાં આરસીબીએ ખૂબ ધૈર્ય અને સમજદારીભરી વ્યૂહરચનાની મદદથી 18 ઓવરમાં પાંચ વિકેટે 161 રન બનાવીને વિજય મેળવ્યો હતો અને એ સાથે સતત બીજી સીઝનની ટ્રોફી પણ જીતી લીધી હતી.
હરિયાણાનો નિશાંત સિંધુ 23 વર્ષનો છે. થોડા વર્ષ પહેલાં તેણે ભારતને અન્ડર-19 વર્લ્ડ કપની ટ્રોફી અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જોકે આ વખતની આઇપીએલમાં તે સારું નહોતો છતાં તેને ફાઇનલમાં રમાડવામાં આવ્યો અને બટલરને બદલે નેહરા (NEHRA)એ તેને વનડાઉનમાં મોકલ્યો હતો જેમાં નિશાંત 18 બૉલમાં 111.11ના નબળા સ્ટ્રાઇક-રેટ સાથે માત્ર 20 રન બનાવી શક્યો હતો. બટલરને ચોથા નંબરે મોકલવામાં આવ્યો હતો અને તેણે 23 બૉલમાં 19 રન બનાવ્યા હતા.
મૅચ બાદ વિક્રમ સોલંકીને નિશાંત સિંધુવાળા નિર્ણય વિશે પૂછાતાં તેમણે કહ્યું, `એ નિર્ણય આશિષ નેહરાનો હતો. હમણાં આવા નિર્ણયો (જો કૅપ્ટન આસપાસ હોય તો તેને મળીને) નેહરા લેતો હોય છે. નિશાંતને ત્રીજા નંબરે બૅટિંગમાં મોકલવાનો તેનો જ નિર્ણય હતો.'