Tue Jun 02 2026

Logo

ફ્લાઈટથી કાશ્મીર જવાનું પ્લાનિંગ હોય તો એરપોર્ટને લઈને આવી મોટી અપડેટ, વાયુસેનાએ કર્યો મોટો નિર્ણય

2026-06-02 22:11:04
Author: mumbai samachar team
Article Image

શ્રીનગરઃ દેશના જુદા-જુદા રાજ્યોમાંથી જમ્મુ કાશ્મીર આવતા પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. બાય એર શ્રીનગર આવવાનું વિચારી રહ્યા હોવ તો આ અપડેટ જાણી લેવી અનિવાર્ય છે. ઈન્ડિયન એરફોર્સે શ્રીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રન-વેના મેઈનટેનન્સ માટે એક નોટમ જાહેર કર્યું છે, જેમાં દર સોમવારે અને મંગળવારે રન-વે બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રીનગર એરપોર્ટે આ અંગે જાણકારી આપતા લખ્યું હતું કે, એક એડવાઈઝરી પ્રવાસીઓ માટે જાહેર કરવામાં આવી છે, જેથી પ્રવાસીઓને ટુર પ્લાન કરવામાં અનુકુળતા રહે. 

બે મોટા પ્રસ્તાવ પર ચર્ચા થશે
ભારતીય વાયુ સેનાએ 1 જુલાઈ થી 30 સપ્ટેમ્બર સુધી દર સોમવારે અને મંગળવારે રન-વે અવેલેબલ ન હોવાને લઈ એક નોટમ જાહેર કર્યું છે. આ દરમિયાન એરપોર્ટનો સમય સવારે 8 વાગ્યા થી સાંજે 5 વાગ્યા સુધીનો રાખવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. એરલાઈન્સને આ અંગે કોઈ ફાઈનલ લીસ્ટ હજુ સુધી મળ્યું નથી. માત્ર વાયુ સેના દ્વારા પ્લાનિંગ કરવામાં આવ્યું છે. એકવાર એરલાઈન્સ તરફથી પુષ્ટિ થયા બાદ આ અંગે જાણકારી જાહેર કરવામાં આવશે. ઑક્ટોબર મહિનામાં રન-વે બંધ કરવા માટેનો પ્રસ્તાવ છે એના ઉપર પણ ચર્ચા કરવામાં આવશે. આ બન્ને યોજનાને અંતિમ રૂપ અપાયા બાદ યોજના જાહેર કરવામાં આવશે. કોઈપણ નવા શેડ્યુલ અને ઑપરેશન સંબંધિત વિગત માધ્યમોમાં જાહેર કરવામાં આવશે. ભારતીય વાયુસેનાના નોટમનો અર્થ નોટીસ ટુ એરમેન એવો થાય છે, જ્યારે એરપોર્ટ આસપાસ કોઈ જોમખ, હવાઈ અભ્યાસ અથવા રન-વે બંધ હોય એવી સ્થિતિમાં એ જાહેર કરવામાં આવે છે. 

નોટમનું પાલન કરવું ફરજિયાત
નોટમ જાહેર થયા બાદ એનું પાલન કરવું દરેક એરલાઈન્સ અને પાયલટ માટે ફરજિયાત છે, જેનું ઉલ્લંઘન કરવું જોખમ ખેડવા જેવું છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને લઈને કેટલાક નિર્ણય લેવામાં આવે ત્યારે પણ આ પ્રકારનું નોટમ જાહેર કરવામાં આવે છે.શ્રીનગર બાય ફ્લાઈટ આવતા લોકો માટે આ ખૂબ જરૂરી છે. બાકીના સમયમાં એટલે બુધવારથી એરપોર્ટ પોતાના રાબેતા સમયમુજબ યથાવત રહેશે અને ફ્લાઈટ ઑપરેશન પણ શેડ્યુલ્ડ રહેશે,જોકે સોમવાર અને મંગળવારને લઈને વાયુસેનાએ નોટમ આપ્યું છે એટલે બન્ને દિવસ ફ્લાઈટ ઑપરેશન થશે નહીં. આ માટેની ફાઈનલ યાદી હવે પછીથી જાહેર કરવામાં આવશે.