Tue Jun 02 2026

Logo

ક્રૂડતેલના ભાવ ઘટતાં વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 758નો સુધારો, ચાંદી રૂ. 2050 ચમકી

2026-06-02 19:52:11
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક બજારમાં આજે ક્રૂડતેલના ભાવમાં વધ્યા મથાળેથી ઘટાડો જોવા મળતાં ફુગાવાલક્ષી દબાણ હળવું થવાના આશાવાદ ઉપરાંત આજે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પણ એક ટકા જેટલો ઘટાડો આવ્યો હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં એક ટકાનો અને ચાંદીના ભાવમાં 2.1 ટકાનો સુધારો આવ્યાના પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ હાજરમાં સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 755થી 758 વધી આવ્યા હતા, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 2050નો ચમકારો આવ્યો હતો. 

સૂત્રોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની અને ઔદ્યોગિક વપરાશકારોની લેવાલીને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 2050ના ચમકારા સાથે રૂ. 2,65,300ની સપાટીએ રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ ભાવમાં સુધારાતરફી વલણ રહેતાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 755 વધીને રૂ. 1,55,668 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 758 વધીને રૂ. 1,56,294ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં છૂટીછવાઈ રોકાણલક્ષી માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી પાંખી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. 

આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે એક ટકો વધીને આૈંસદીઠ 4528.67 ડૉલર અને ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ 1.2 ટકા વધીને 4558.60 ડૉલર તેમ જ હાજરમાં ચાંદીના ભાવ 2.1 ટકા વધીને આૈંસદીઠ 76.39 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. ઈરાન સાથે શાંતિ માટેની વાટાઘાટોમાં પ્રગતિ થઈ રહી હોવાનું અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે જણાવતાં ક્રૂડતેલના ભાવ ઘટી આવ્યા હતા અને ફુગાવાલક્ષી દબાણ હળવું થવાનો અને અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો નહીં કરે તેવો આશાવાદ સપાટી પર આવ્યો હતો અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ પણ 1.1 ટકા જેટલી ઘટી આવતા સોનાનાં સુધારાને ટેકો મળ્યો હોવાનું સાક્સો બૅન્કના વિશ્લેષક ઓલે હાસને જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોનાના ભાવની વધઘટ મુખ્યત્વે ક્રૂડતેલના ભાવની વધઘટ પર અવલંબિત રહેશે. 

વધુમાં આજે હિઝબુલ્લાહ અને ઈઝરાયલ વચ્ચેનાં યુદ્ધમાં લેબેનોને આંશિક યુદ્ધવિરામની જાહેરાત કરી હોવાથી પણ સોનાના સુધારાને ટેકો મળ્યો હતો. જોકે, હવે રોકાણકારોની નજર મધ્યપૂર્વનાં તણાવની રોજગારી પર કેવી અસર પડી તેનું આંકલન કરવા માટે આગામી શુક્રવારે જાહેર થનારા અમેરિકાના નોન ફાર્મ પૅ રૉલ ડેટા પર સ્થિર થઈ છે. આ ઉપરાંત સપ્તાહ દરમિયાન અમેરિકી ફેડરલ રિઝર્વના બોર્ડનાં ક્લેવલન્ડ ફેડના પ્રમુખ બેથ હમ્મક, સાન ફ્રાન્સિસ્કો ફેડના પ્રમુખ મેરી ડેલે અને ફેડના ગવર્નર માઈકલ બાર સહિતના સભ્યોની ટિપ્પણીઓ પર પણ બજારની નજર રહેશે.