Tue Jun 02 2026

Logo

મથકોના નિરુત્સાહી અહેવાલે સિંગતેલમાં રૂ. 20 તૂટ્યા

2026-06-02 19:33:41
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
ગુજરાતના રાજકોટના મથકો પર આજે સિંગતેલમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે સ્થાનિક તેમ જ દેશાવરોની માગ પાંખી રહેતાં તેલિયા ટીનના ભાવમાં 15 કિલોદીઠ રૂ. 45નો અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 25નો ઘટાડો આવ્યાના નિરુત્સાહી અહેવાલે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં સિંગતેલના ભાવ 10 કિલોદીઠ રૂ. 20 ઘટી આવ્યા હતા, જ્યારે મથકો પાછળ સરસવમાં રૂ. પાંચનો સુધારો આવ્યો હતો.

વધુમાં આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં સાધારણ બે રિંગિટનો ઘટાડો આવ્યો હતો, જ્યારે ગઈકાલે શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં 137 સેન્ટ વધી આવ્યા હતા. તેમ છતાં એકંદરે કામકાજો પાંખાં રહેતાં આયાતી તેલમાં માત્ર આરબીડી પામોલિનમાં 10 કિલોદીઠ રૂ. પાંચનો સુધારો આવ્યો હતો અને અન્ય આયાતી તેલમાં ટકેલું વલણ રહ્યું હતું. 

આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ ગોકુલ એગ્રોના આરબીડી પામોલિનના જૂન-જુલાઈ ડિલિવરી શરતે રૂ. 1480, એવીઆઈના સોયા રિફાઈન્ડના રૂ. 1490, પતંજલિ ફૂડ્સના આરબીડી પામોલિનના રૂ. 1495, સોયા રિફાઈન્ડના રૂ. 1500 અને સન રિફાઈન્ડના રૂ. 1660, એડબ્લ્યુએલના આરબીડી પામોલિન અને સોયા રિફાઈન્ડના રૂ. 1495,  અને સન રિફાઈન્ડના રૂ. 1690, ગોલ્ડન એગ્રીના આરબીડી પામોલિનના રૂ. 1510 અને રિલાયન્સ ક્નઝ્યુમરના સોયા રિફાઈન્ડના રૂ. 1510 અને સન રિફાઈન્ડના રૂ. 1660 ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારો પાંખા હતા. 

આજે ગુજરાતમાં ગોંડલ મથકે મગફળીની 13,000 ગૂણીની અને રાજકોટ મથકે 4500 ગૂણી આવક સામે બન્ને મથકો પર વેપાર મણદીઠ રૂ. 1300થી 1550માં ટકેલા ધોરણે થયા હતા. તેમ જ ગોંડલમાં આજે સિંગતેલના વેપાર 10 કિલોદીઠ રૂ. 1550થી 1575માં, વૉશ્ડ કૉટનના રૂ. 1490થી 1500માં અને કપાસિયા રિફાઈન્ડના રૂ. 1535થી 1540માં થયા હતા. વધુમાં આજે મધ્ય પ્રદેશનાં મથકો પર 1.5 લાખ ગૂણી સોયા સીડની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. 6800થી 7150માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. 7100થી 7200માં થયાના અહેવાલ હતા. 

સ્થાનિકમાં હાજર બજારમાં આજે 10 કિલોદીઠ આરબીડી પામોલિનના ભાવ રૂ. 1490, સોયા રિફાઈન્ડના રૂ. 1510, સન રિફાઈન્ડના રૂ. 1660, સિંગતેલના રૂ. 1630, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1565 અને સરસવના રૂ. 1605ના મથાળે રહ્યા હતા.