Tue Aug 25 2026

Logo

સતત બીજા વર્ષે ફૂટબૉલમાં પીએસજી ચૅમ્પિયન બનતાં પૅરિસમાં તોફાનોઃ 400થી વધુ લોકોની ધરપકડ

Paris   2026-05-31 17:28:57
Author: Ajay Motiwala
સતત બીજા વર્ષે ફૂટબૉલમાં પીએસજી ચૅમ્પિયન બનતાં પૅરિસમાં તોફાનોઃ 400થી વધુ લોકોની ધરપકડ

AP News


પૅરિસઃ શનિવારે હંગેરીના બુડાપેસ્ટમાં આર્સેનલને પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી હરાવીને પૅરિસ સેન્ટ-જર્મેઇન (PSG)ની ટીમે સતત બીજી વખત ચૅમ્પિયન્સ લીગની ટ્રોફી જીતી લીધી એને પગલે ફ્રાન્સમાં ઠેર-ઠેર ફૂટબૉલપ્રેમીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ (CLASHES) થયા હતા જેમાં 400થી વધુ લોકોની ધરપકડ (ARRESTED) કરવામાં આવી હતી. ગયા વર્ષે પીએસજીએ આ જ ટૂર્નામેન્ટની ટ્રોફી જીતી લીધી હતી ત્યારે પણ પૅરિસમાં તોફાનો થયા હતા.

ખાસ કરીને પૅરિસમાં તોફાનોને કારણે ટ્રેન, મેટ્રો તથા બસ સેવાઓ ખોરવાઈ ગઈ હતી. આર્સેનલ સામેની મુખ્ય મૅચ 1-1થી બરાબરીમાં રહ્યા બાદ પેનલ્ટી શૂટઆઉટમાં પીએસજીનો 4-3થી વિજય થયો હતો. ત્યાર બાદ તોફાનો શરૂ થઈ ગયા હતા. હકીકતમાં ફાઇનલ પહેલાં જ કેટલાક તોફાની જૂથો અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો બન્યા હતા. તોફાનોને ડામવા હજારો પોલીસ તથા સલામતી અધિકારીઓને ઠેકઠેકાણે ગોઠવી દેવામાં આવ્યા હતા. પોલીસે અશ્રુ વાયુ પણ છોડ્યો હતો. તોફાનોમાં કેટલાક પોલીસ કૉન્સ્ટેબલને ઈજા થઈ હતી.

શનિવારની ફાઇનલ પહેલાં પૅરિસમાં કેટલાક સ્થળે જાયન્ટ સ્ક્રીન રાખવાના મુદ્દે ફૂટબૉલપ્રેમીઓ અને પોલીસ વચ્ચે ચકમક થઈ હતી અને તોફાનો ત્યારથી જ શરૂ થઈ ગયા હતા. પૅરિસના ચૅમ્પ્સ-એલીસીસ વિસ્તારમાં હજારો લોકો પીએસજીની જીતને પગલે રસ્તાઓ પર ઊમટી પડ્યા હતા અને જીતનો જશન હિંસામાં ફેરવાઈ ગયો હતો.

તોફાનીઓ દ્વારા પોલીસને દૂર રાખવા ફટાકડા તથા ફ્લેર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રસ્તાઓ પર ઇલેકટ્રિક બાઇક સળગાવવામાં આવી હતી તથા દુકાનોના કાચ ફોડવામાં આવ્યા હતા.