Tue Sep 01 2026

Logo

મુંબઈ એરપોર્ટનું 80 વર્ષ જૂનું T-1 તોડીને અપાશે 'નવો લુક': જાણો એર ટ્રાફિક શિફ્ટિંગનો 'માસ્ટર પ્લાન'

2026-08-25 18:30:28
Author: Mumbai Samachar Team
મુંબઈ એરપોર્ટનું 80 વર્ષ જૂનું T-1 તોડીને અપાશે 'નવો લુક': જાણો એર ટ્રાફિક શિફ્ટિંગનો 'માસ્ટર પ્લાન'

મુંબઈ: મુંબઈના હવાઈ પરિવહન ક્ષેત્રમાં ધરમૂળથી મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. અદાણી ગ્રુપ સંચાલિત છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટના લગભગ 80 વર્ષ જૂના ટર્મિનલ-1 (T1)ના એક ભાગને હવે તોડી પાડવાની પ્રક્રિયા શરૂ થવાની છે. એરપોર્ટના પુનર્વિકાસના પ્રથમ તબક્કા હેઠળ T1Bના ઉત્તર ભાગને 15 જાન્યુઆરી, 2027થી તોડી પાડવાનું કામ શરૂ કરવામાં આવશે. આ ભાગ વાર્ષિક આશરે 50 લાખ મુસાફરોની અવરજવર સંભાળે છે.

મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (એમઆઈએએલ) દ્વારા નાગરિક ઉડ્ડયન મંત્રાલયને મોકલવામાં આવેલા 13 ઓગસ્ટના પત્રમાં આ અંગેની માહિતી આપવામાં આવી હતી. T1ના કેટલાક ભાગોને અગાઉ જ તોડી પાડવામાં આવ્યા છે. હવે ઉત્તર હિસ્સાને પણ તોડી પાડવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ પહેલાં મુસાફરો અને એરલાઈન્સને કોઈ મોટી મુશ્કેલી પડે નહીં તેના માટે એર ટ્રાફિકને T2 અને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (એનએમઆઈએલ) તરફ તબક્કાવાર ખસેડવામાં આવશે.

એમઆઈએએલની યોજના મુજબ પહેલી ઓક્ટોબર, 2026થી ઓછામાં ઓછા એક તૃતીયાંશ આંતરરાષ્ટ્રીય એર ટ્રાફિક મૂવમેન્ટ નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટ્રાન્સફર કરવામાં આવશે. ત્યારબાદ 25 ઓક્ટોબરથી T1 પર સંચાલિત ઓછામાં ઓછા એક તૃતીયાંશ એર ટ્રાફિક મૂવમેન્ટને T2 પર ખસેડવામાં આવશે. એટલે આગામી મહિનાઓમાં મુંબઈ એરપોર્ટના મુસાફરોને તેમની ફ્લાઈટ કયા ટર્મિનલ પરથી છે તે ખાસ રીતે ચકાસવું પડશે.

આ ઓપરેશનલ ફેરફારની શરૂઆત થઈ ચૂકી છે. અકાસા એરએ 1 ઓગસ્ટથી મુંબઈ એરપોર્ટ પરનું પોતાનું ડોમેસ્ટિક ઓપરેશન T1માંથી T2માં શિફ્ટ કરી દીધું છે. આ ઉપરાંત એમઆઈએએલ અન્ય ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ સાથે પણ ફ્લાઈટ્સને T1થી T2 અને T2થી નવી મુંબઈ એરપોર્ટ પર ખસેડવા અંગે ચર્ચા કરી રહ્યું છે.

મુંબઈ અને નવી મુંબઈ બંને એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રુપ કરે છે. મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટની હાલની કુલ ક્ષમતા 5 કરોડથી વધુ મુસાફરોની છે અને અહીં દરરોજ 950થી વધુ ફ્લાઈટ્સની અવરજવર થાય છે. T1ની ક્ષમતા આશરે 1.5 કરોડ અને T2ની ક્ષમતા આશરે 4 કરોડ મુસાફરોની છે.

એમઆઈએએલએ એરલાઈન્સને ટ્રાન્ઝિશન માટે આશરે સાડા ત્રણ મહિનાનો સમય અને સહાય આપ્યા બાદ T1Bના ઉત્તર ભાગને તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરવાની યોજના બનાવી છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન મુસાફરોને ઓછી અસુવિધા થાય તે માટે MIALએ નાગરિક ઉડ્ડયન મંત્રાલય સમક્ષ એક ‘જોઈન્ટ ટ્રાન્ઝિશન ગ્રુપ’ બનાવવાની પણ ભલામણ કરી છે. આ ગ્રુપની અધ્યક્ષતા નાગરિક ઉડ્ડયનના સચિવ કરે તેવો પ્રસ્તાવ છે, જેથી તમામ સંબંધિત સ્ટેકહોલ્ડર્સ વચ્ચે વધુ સારું સંકલન થઈ શકે.

આ રીતે મુંબઈના લગભગ આઠ દાયકા જૂના T1ના પુનર્વિકાસનો નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. એક તરફ જૂના ટર્મિનલનો એક ભાગ ઇતિહાસ બની જશે, તો બીજી તરફ એર ટ્રાફિકને T2 અને નવી મુંબઈ તરફ ખસેડવાથી મુંબઈના એરપોર્ટ નેટવર્કનું ભવિષ્યનું ચિત્ર પણ બદલાશે.