Tue Jun 02 2026

Logo

નવી મુંબઈ એપીએમસી બજારનું  સંચાલક મંડળ બરખાસ્ત

2026-06-02 21:35:29
Author: Ramesh Gohil
Article Image

રાષ્ટ્રીય બજારનો દરજ્જો આપી, માર્કેટિંગ અને પ્રોટોકોલ પ્રધાન જયકુમાર રાવલે કારભાર સંભાળ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

નવી મુંબઈ
: મહારાષ્ટ્ર સરકાર દ્વારા ગઈ કાલે એક આદેશ બહાર પાડીને નવી મુંબઈસ્થિત પાંચ માર્કેટનાં પાંચ ડિરેક્ટર સહિતનાં એપીએમસી બજારના સંચાલક મંડળને બરખાસ્ત કરવામાં આવ્યું છે અને માર્કેટને રાષ્ટ્રીય બજારનો દરજ્જો આપીને એપીએમસીનાં ચેરમેન તરીકે રાજ્યના માર્કેટિંગ અને શિષ્ટાચાર ખાતાના પ્રધાન જયકુમાર રાવલે કારભાર સંભાળ્યો છે.

એકંદરે એપીએમસી બોર્ડનાં બેવડા ધોરણો, કાયદાઓના અનેક અર્થઘટનો કરીને યેનકેનપ્રકારેણ માર્કેટ ફીનો બોજો ગ્રાહકો પર પડી રહ્યો હતો. તેમ જ વેપારી આલમ પણ એપએમસીમાં ખદબદતા ભ્રષ્ટાચારથી ત્રસ્ત થઈ હોવાથી તે અંગે મહારાષ્ટ્રથી લઈને દિલ્હી સુધી ફરિયાદ કરવામાં આવી હોવાથી સરકારે ભવિષ્યમાં બજારનાં વિકાસને ધ્યાનમાં લેતા આ પગલું ભર્યું હોવાનું કોન્ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સનાં ઉપાધ્યક્ષ અને સ્થાનિક મૂડીબજાર ચેમ્બરનાં અધ્યક્ષે સરકારના આ નિર્ણયને આવકારતા ઉમેર્યું હતું કે હવે સરકાર દ્વારા ગઠન થનારા નવાં બોર્ડમાં કૃષિ નિષ્ણાતો, સરકારી નિયમનકર્તાઓ, કિસાન વર્ગ, નાણાં, સહકાર અને આયાત-નિકાસ ક્ષેત્રનાં હિસ્સેધારકોનો સમાવેશ કરવામાં આવશે, એવી અમે અપેક્ષા રાખી રહ્યા છીએ.

નવી મુંબઈનાં દાણા બજારની અગ્રણી સંસ્થા ગ્રેઈન રાઈસ ઍન્ડ ઑઈલ સીડ્સ મર્ચન્ટ્સ એસોસિયેશન (ગ્રોમા)નાં પ્રમુખ અને નીલેશભાઈ વીરા સહિતના અન્ય પદાધિકારીઓએ ગઈ કાલે નવા નિયુક્ત થયેલા ચેરમેન જયકુમાર રાવલને બજારની રોજિંદી સમસ્યાઓથી અવગત કર્યા હતા તેમ જ તેમણે સમસ્યાઓનું નિરાકરણ કરવાનું આશ્ર્વાસન આપ્યું હોવાનું ગ્રોમાના પ્રમુખે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.

વધુમાં રાજકીય સ્તરે થયેલા આ પરિવર્તનને ધ્યાનમાં બજાર સમિતિનાં ભવિષ્યના ધોરણો કેવા હશે તે બાબતે વેપારી આલમ, હમાલ, કામદાર અને ખેડૂત વર્ગમાં પણ ઉત્સુકતા જાગી છે.