નવી દિલ્હીઃ 15 વર્ષના બૅટિંગ-સેન્સેશન વૈભવ સૂર્યવંશી (Vaibhav SURYAVANSHI) કુલ 776 રન સાથે આઇપીએલ-2026નો સર્વશ્રેષ્ઠ બૅટ્સમૅન બન્યો અને કાર તથા લાખો રૂપિયા સહિત અનેક પુરસ્કાર જીત્યો એ સાથે તેનો સુવર્ણકાળ તો શરૂ થઈ જ ગયો છે, આઇપીએલ દરમ્યાન જ તેની સાથે કરાર કરવામાં કેટલીક કંપનીઓએ રસ બતાવ્યો હતો અને હવે તો ટોચની બ્રેન્ડ્સની લાઇન લાગી છે. એ જોતાં, વૈભવને આગામી મહિનાઓમાં કરોડો રૂપિયાની કમાણી થવાની સંભાવના છે. તે જોત જોતામાં ખૂબ વૈભવશાળી (માલદાર) બની જશે તો નવાઈ નહીં લાગે. હાલમાં તેણે એક જાણીતા હેલ્થ ડ્રિન્ક માટે કરાર કર્યો જ છે.
એવા અહેવાલ મળ્યા છે કે વૈભવને સાઇન કરવા માટે ઓછામાં ઓછી છ બ્રેન્ડ હાલમાં કતારમાં છે. આઇપીએલ પૂરી થઈ ગઈ હોવાથી આ બૅ્રન્ડ્સની માલિકી ધરાવતી કંપનીઓએ તેની સાથે સંપર્ક કરવા આતુર છે. દરમ્યાન, વૈભવની લોકપ્રિયતા એક-બે વર્ષમાં અનેકગણી વધી જતાં રાજસ્થાન રૉયલ્સનું ફ્રૅન્ચાઇઝી તેના પરિવારને વૈભવનું પ્રોફાઇલ મૅનેજ કરવામાં મદદ કરી રહી છે.
At least six brands are reportedly looking to sign Vaibhav Sooryavanshi, with sports drinks, cricket bat, nutrition and footwear companies among those interested. pic.twitter.com/WeuZa4I9mA
— Cricketopia (@CricketopiaCom) June 2, 2026
વૈભવ સાથે જે કંપનીઓ કૉન્ટ્રૅક્ટ કરવા ઉત્સુક છે એમાં સ્પોર્ટ્સ ડ્રિન્ક, ક્રિકેટ બૅટ, પોષક તત્વોના ઉત્પાદનો સાથે સંકળાયેલી કંપનીઓ તેમ જ ઉચ્ચ કક્ષાના તેમ જ ખેલકૂદ સંબંધિત શૂઝ બનાવતી કંપનીઓનો સમાવેશ છે.
વૈભવ રાજસ્થાન રૉયલ્સને ફાઇનલમાં તો ન પહોંચાડી શક્યો અને ટ્રોફી પણ ન અપાવી શક્યો, પરંતુ એ માટે રાજસ્થાનની ટીમના કેટલાક ખેલાડીઓ પણ જવાબદાર છે. વૈભવે તો ક્રિકેટ જગતમાં કરોડો લોકોના દિલ જીતી લીધા છે. તે હજી બહુ નાનો છે અને કેટલીક કંપનીઓના એક્ઝિક્યૂટિવનું માનવું છે કે વૈભવ સાથે અમુક કંપનીઓ બે-ત્રણ વર્ષ માટે કૉન્ટ્રૅક્ટ કરવા માગે છે.