વિરુષ્કા ઉઘાડા પગે ગૌશાળામાં અને આશ્રમના બીજા સ્થળે ફર્યાં
નવી દિલ્હીઃ રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (આરસીબી)એ રવિવારે સતત બીજી સીઝનમાં આઇપીએલનું ટાઇટલ જીતી લીધું ત્યાર બાદ એનો પીઢ ખેલાડી અને ગુજરાત ટાઇટન્સ (જીટી) સામેની ફાઇનલનો સુપરહીરો વિરાટ કોહલી અને તેની ઍક્ટ્રેસ-પત્ની અનુષ્કા શર્મા મંગળવારે વૃંદાવન (Vrindavan)માં સ્વામી પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લેવા તેમના આશ્રમમાં ગયા હતા. વિરુષ્કા તરીકે ઓળખાતું આ યુગલ ઘણી વાર સુધી આશ્રમમાં હતું.
વિરાટ (Virat) અને અનુષ્કા (Anushka)એ ઉઘાડા પગે આશ્રમની મુલાકાત લીધી હતી. તેઓ ચપ્પલ-શૂઝ વગર આશ્રમની ઇમારતમાં તેમ જ ગૌશાળામાં ફર્યા હતા. વિરાટની સાથે કેટલાક મિત્રો પણ હતા.
વિરાટ અને અનુષ્કા અગાઉ ઘણી વખત વૃંદાવનના આ આશ્રમમાં ગયા હતા. તેઓ પોતાના જીવનમાં આધ્યાત્મિકતાની ઘણી ભૂમિકા રહી છે એવું ઘણી વખત કહી ચૂક્યા છે. તેમની મોટા ભાગની ટ્રિપમાં આ આશ્રમ અથવા હરિદ્વાર નજીક કૈંચી ધામના નીમ કરોલી બાબાના આશ્રમની મુલાકાત પણ સામેલ હોય છે.
મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની જેમ આરસીબીની ટીમ પણ આઇપીએલના બૅક-ટુ-બૅક ટાઇટલ જીતી છે. વિરાટ કોહલીએ 2026ની આઇપીએલમાં કુલ 675 રન બનાવ્યા અને તે તમામ બૅટ્સમેનોમાં ચોથા નંબરે તેમ જ આરસીબીના ખેલાડીઓમાં પ્રથમ સ્થાને હતો.