Tue Jun 02 2026

Logo

ડૉલર સામે રૂપિયો વધુ 17 પૈસા ગબડ્યો

2026-06-02 19:33:15
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) 

મુંબઈઃ
અમેરિકા-ઈરાન વચ્ચેની કટોકટીને કારણે બે્રન્ટ ક્રૂડતેલના વધેલા ભાવ અને રોકાણકારોની સલામતી માટે ડૉલરમાં લેવાલી રહેતાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ અને સ્થાનિક સ્તરે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ 17 પૈસા ગબડીને 95.36ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતફી વલણ રહ્યું હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું. 

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 95.19ના બંધ સામે સાધારણ સુધારા સાથે 95.16ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.38 અને ઉપરમાં 95.03ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 17 પૈસાના ઘટાડા સાથે 95.36ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં 34 પૈસાનું ધોવાણ થયું હતું. 

હાલના ભૂરાજકીય તણાવને કારણે વધી રહેલા ક્રૂડતેલના ભાવને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં નકારાત્મક વલણ જોવા મળે અને 94.90થી 95.50 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ વ્યક્ત કરી હતી. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે વધ્યા મથાળેથી સાધારણ 0.08 ટકાના ઘટાડા સાથે 99.12 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો, જ્યારે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં પણ ભાવ વધ્યા મથાળેથી 1.66 ટકાના ઘટાડા સાથે બેરલદીઠ 93.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
વધુમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 3911.68 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 382.50 પૉઈન્ટનો અને 100.95 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયામાં ધોવાણ મર્યાદિત રહ્યું હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.