Tue Jun 02 2026

Logo

stock market: આઇટી શેરોમાં મજબૂત તેજી; સેન્સેક્સ ૩૮૨ પોઇન્ટ વધ્યો

2026-06-02 20:43:17
Author: Nilesh Waghela
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ:
આઇટી શેરોમાં મજબૂત તેજીને કારણે ચાર દિવસના ઘટાડાનો દોર તોડીને મંગળવારે બેન્ચમાર્ક સેન્સેક્સ સેન્સેક્સ ૩૮૨.૫૦ પોઇન્ટ અથવા ૦.૫૨ ટકા વધીને ૭૪,૬૪૯.૮૪ પર સ્થિર થયો હતો. બેરોમીટર તેના ઇન્ટ્રા-ડે ૭૩,૮૧૫.૧૨ના નીચલા સ્તરથી ૧,૦૪૭.૦૭ પોઇન્ટ ઉછળીને ૭૪,૮૬૨.૧૯ સુધી પહોંચ્યો હતો. બેન્ચમાર્કના ૨૦ શેરો વધ્યા અને ૧૦ શેરો ઘટ્યા હતા. નિફ્ટી ૧૦૦.૯૫ પોઇન્ટ અથવા ૦.૪૩ ટકા વધીને ૨૩,૪૮૩.૫૫ની સપાટીએ સ્થિર થયો હતો.

ઇન્ડેક્સ હેવીવેઇટ ટીસીએસ, ઇન્ફોસિસ, એચસીએલ ટેક અને ટેક મહિન્દ્રા સહિતના આઇટી શેરોમાં મજબૂત ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સની ૩૦ કંપનીઓમાં, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસના શેરમાં સૌથી વધુ ૬.૫૩ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ઇન્ફોસિસ ૫.૬૬ ટકા, એચસીએલ ટેક ૪.૦૮ ટકા અને ટેક મહિન્દ્રા ૧.૭૬ ટકા ઊછળ્યો હતો. અદાણી પોર્ટ્સ, ટાઇટન, ઇટર્નલ, એચડીએફસી બેંક અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં પણ તેજી જોવા મળી હતી. જ્યારે એનટીપીસી, એક્સિસ બેંક, પાવર ગ્રીડ અને આઈસીઆઈસીઆઈ બેંકમાં ધોવાણ જોવા મળ્યું હતું.

બજારમાં આશાવાદ વ્યાપક હતો, નિફ્ટી મિડકેપ ૧૦૦ અને નિફ્ટી સ્મોલકેપ ૧૦૦ સૂચકાંકો પણ ગ્રીન ઝોનમાં બંધ થયા. સેકટરલ ધોરણે, નિફ્ટી આઇટીમાં ચાર ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો હતો. આ દરમિયાન નિફ્ટી ફાર્મા લગભગ એક ટકા ગબડ્યો હતો. બજારનું મોરલ મજબૂત રહ્યું હતું. એનએસઇ પર લગભગ ૨,૦૩૪ શેરો વધ્યા હતા, જ્યારે ૧,૨૮૫ ઘટ્યા હતા અને ૧૦૭ યથાવત રહ્યા હતા.

આઈટી શેરોમાં થયેલા સુધારાના સળવળાટ પછી શેરબજાર પ્રારંભિક નુકસાનીમાંથી બહાર આવ્યું હતું. મધ્ય પૂર્વ યુદ્ધવિરામમાં વિક્ષેપો અને વિલંબ ચાલુ રહેવા છતાં વૈશ્ર્વિક સેન્ટિમેન્ટ સ્થિર રહ્યું, છે, જે જોખમ લેવાની ક્ષમતામાં સ્થિતિસ્થાપકતા દર્શાવે છે. કમાણીની મોસમ મોટાભાગે પૂર્ણ થયા પછી રોકાણકારોનું ધ્યાન ચોમાસાની પ્રગતિ, ફુગાવાના વલણો, આરબીઆઈ નીતિ અને પ્રવાહિતાની સ્થિતિ સહિતના મુખ્ય મેક્રો પરિબળો પર કેન્દ્રિત થયું છે. આ અઠવાડિયે ચોમાસું દક્ષિણ પ્રદેશોમાં આગળ વધવાની અપેક્ષા છે, જે નજીકના ગાળાના સેન્ટિમેન્ટને ટેકો પૂરો પાડે છે. જોકે, અલ નીનોનું જોખમ તોળાઇ રહ્યું હોવાથી વરસાદ લાંબા ગાળાના સરેરાશથી નીચે રહેવાનો અંદાજ છે. જોકે એ સાથે જળાશય સ્તર અને અનાજના બફર સ્ટોક હાલ તો સંતોષજનક છે.

ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક, બ્રેન્ટ ક્રૂડ ૧.૨૮ ટકા ઘટીને ૯૩.૭૬ પ્રતિ બેરલ બોલાયું છે. એશિયન બજારોમાં, દક્ષિણ કોરિયાનો બેન્ચમાર્ક કોસ્પી, શાંઘાઈનો એસએસઆઇ કમ્પોઝિટ ઇન્ડેક્સ અને હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ ઊંચા મથાળે બંધ રહ્યો, જ્યારે જાપાનનો નિક્કી ૨૨૫ ઇન્ડેક્સ નીચા સ્તરે બંધ થયો. યુરોપના બજારો ઊંચા ટ્રેડિંગ કરી રહ્યા હતા.

અમેરિકન બજારો સોમવારે હકારાત્મક ક્ષેત્રમાં બંધ થયા. દરમિયાન, એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ સોમવારે રૂ. ૩,૯૧૧.૬૮ કરોડના ઇક્વિટી વેચ્યા હતા. સોમવારે સેન્સેક્સ ૫૦૮.૪૦ પોઈન્ટ અથવા ૦.૬૮ ટકા ઘટીને ૭૪,૨૬૭.૩૪ પર અને સતત ચોથા દિવસે ઘટાડા સાથે, નિફ્ટી ૧૬૫.૧૫ પોઈન્ટ અથવા ૦.૭૦ ટકા ઘટીને ૨૩,૩૮૨.૬૦ પર બંધ થયો હતો.

માર્કેટ એનલિસ્ટે જણાવ્યું હતું કે, રિકવરી પાછળનું મુખ્ય ચાલક આઇટી ક્ષેત્રમાં વિસ્ફોટક તેજી રહ્યું છે. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ જે ચાર ટકાથી મોટો ઉછાળો જોવા મળ્યો, તેમાં ટીસીએસ અને ઇન્ફોસિસ જેવા હેવીવેઇટ્સનો મોટો ફાળો હતો. આ તેજી મુખ્યત્વે યુ.એસ. ટેકનોલોજી કંપનીઓના મજબૂત પરિણામ અને ગાઇડન્સ દ્વારા પ્રેરિત હતી, જે એ દૃષ્ટિકોણને મજબૂત બનાવે છે કે વૈશ્ર્વિક એઆઈ, ક્લાઉડ અને એન્ટરપ્રાઇઝ ટેકનોલોજી ખર્ચ વ્યાપક આર્થિક અનિશ્ર્ચિતતા છતાં સ્થિતિસ્થાપક રહે છે.