બેંગ્લૂરુઃ આઇપીએલનો ફટાફટ ક્રિકેટનો રમતોત્સવ પૂરો થયો અને હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે જેમાં 10 દિવસ પછી ભારતની અફઘાનિસ્તાન સામે વન-ડે સિરીઝ શરૂ થશે જેમાં ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા રમશે કે કેમ એ હજી નક્કી તો નથી, પરંતુ તેના વિશે એક અપડેટ આવ્યું છે કે તે બેંગ્લૂરુમાં બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના સેન્ટર ઑફ એક્સેલન્સ (COE)માં પહોંચી રહ્યો છે.
અફઘાનિસ્તાન સામે ભારતની છઠ્ઠી જૂને ન્યૂ ચંડીગઢમાં એકમાત્ર ટેસ્ટ મૅચ શરૂ થશે. એ ટીમમાં તો હાર્દિક (HARDIK) નથી, પણ 13મી જૂને શરૂ થનારી ત્રણ મૅચની વન-ડે શ્રેણી માટેની ટીમમાં હાર્દિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. 32 વર્ષના હાર્દિકને ઘણા દિવસ પહેલાં જ વન-ડે ટીમમાં સામેલ કરાયો હોવાની જાહેરાત થઈ હતી. આઇપીએલ-2026માં તેના સુકાનમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ છેક નવમા નંબર પર રહી અને લીગ રાઉન્ડમાં જ ટૂર્નામેન્ટની બહાર થઈ ગઈ ત્યાર બાદ હાર્દિક ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે વેકેશન મનાવવા ફ્રાન્સ ગયો હતો.

બીસીસીઆઇના સિલેક્ટરોએ થોડા દિવસ પહેલાં વન-ડે ટીમ જાહેર કરી ત્યારે જ પત્રકારોને જણાવ્યું હતું કે હાર્દિક અને રોહિત શર્મા પૂરેપૂરા ફિટ હશે તો જ આ શ્રેણીમાં રમશે. એ જોતાં, હાર્દિકે અત્યારથી સીઓઇમાં પ્રૅક્ટિસ કરવાની અને પૂર્ણપણે ફિટ થવાની તૈયારી શરૂ કરી દેવાનું નક્કી કર્યું છે.
હાર્દિક ભારત વતી માર્ચ, 2025માં ભારત વતી વન-ડે રમ્યો હતો. તે તાજેતરમાં જ ઈજાને કારણે આઇપીએલમાં ત્રણ મૅચ નહોતો રમ્યો. તેની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહે ટીમનું સુકાન સંભાળ્યું હતું. હાર્દિક ખુદ આઇપીએલમાં સારું નહોતો રમ્યો અને મુંબઈ ઇન્ડિયન્સની ટીમ 14માંથી 10 મૅચ હારી ગઈ હતી. હવે હાર્દિક અફઘાનિસ્તાન સામે રમશે કે કેમ અને રમશે તો કેવું રમશે એ જોવું રહ્યું.