નવી દિલ્હીઃ સરકારે તેનાં કાંદાના બફર સ્ટોક કાર્યક્રમ હેઠળ હાલની બજારની સ્થિતિ તેમ જ ખેડૂતોની સલામતીને ધ્યાનમાં લેતાં કાંદાનાં પ્રાપ્તિ ભાવ જે કિલોદીઠ રૂ. 12.70 હતા તે 24.4 ટકા વધારીને 15.80 નિર્ધારિત કર્યા છે. ગત સોમવારે આંતરપ્રધાનમંડળીય બેઠક પશ્ચાત્ અનાજ અને ગ્રાહક બાબતોના મંત્રાલયના અતિરિક્ત સચિવ અનુપમ મિશ્રાએ જણાવ્યું હતું કે અમે કાંદાના પ્રાપ્તિ ભાવ જે કિલોદીઠ રૂ. 12.70 હતા તે વધારીને રૂ. 15.80 કર્યા છે. નોંધનીય બાબત એ છે કે વર્તમાન મોસમ માટે કાંદાની પ્રાપ્તિનો આરંભ 15મી મેથી શરૂ થયો છે અને સુધારિત ભાવ બાવીસમી મેના રોજ નોટિફાઈ કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે પ્રાઈસ સ્ટેબિલાઈઝેશન ફંડ હેઠળ બજારમાં હસ્તક્ષેપ માટે દર વર્ષે બફર સ્ટોકની જાળવણી કરવામાં આવે છે. ગત નાણાકીય વર્ષ 2025-26માં ત્રણ લાખ ટન કાંદાની પ્રાપ્તિ કરવામાં આવી હતી, જ્યારે આ વર્ષ માટે પ્રાપ્તિનો લક્ષ્યાંક બે લાખ ટનનો મૂકવામાં આવ્યો છે. વધુમાં કઠોળ બાબતે મિશ્રાએ જણાવ્યું હતું કે ગત મે મહિનામાં કઠોળનો સ્ટોક મે, 2025ના 18 લાખ ટન સામે બમણાંથી પણ વધીને 43 લાખ ટનની ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચ્યો છે. સ્ટોકની આ સપાટી મે, 2024નાં 21 લાખ ટન કરતાં પણ વધુ હોવાનું તેમણે ઉમેર્યું હતું. પ્રાઈસ સપોર્ટ સ્કીમ હેઠળ મંડીમાં જ્યારે ભાવ લઘુતમ ટેકાના ભાવ કરતાં નીચા ઊતરી જાય ત્યારે સરકારી ખરીદી થતી હોય છે. અત્યાર સુધીમાં 5.34 લાખ ટન તુવેર અને 20.35 લાખ ટન ચણાની ખરીદી કરવામાં આવી છે.
સ્થાનિક સ્તરે કઠોળના ઉત્પાદનમાં વધારો થવાથી આયાત નિર્ભરતામાં ઘટાડો થતો હોય છે. ગત નાણાકીય વર્ષ 2025-26માં દેશમાં કઠોળની આયાત આગલા વર્ષના 73 લાખ ટન સામે 30 ટકા ઘટીને 60 લાખ ટનની થઈ હતી, જેમાં કઠોળ માટે મુક્ત આયાતનીતિ અમલી હોવા છતાં ખાસ કરીને ચણાની આયાત વર્ષ 2024-25ની સરખામણીમાં સૌથી વધુ 51 ટકા ઘટીને 15.06 લાખ ટનની થઈ હતી. નોંધનીય બાબત એ છે કે પશ્ચિમ એશિયાની કટોકટીને કારણે અનાજ અને ફર્ટિલાઈઝરની સલામતીને અનુલક્ષીને આંતરપ્રધાનમંડળીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હોવાનું મિશ્રાએ જણાવતાં ઉમેર્યું હતું કે કઠોળના મુખ્ય પુરવઠાકાર દેશો મ્યાનમાર, તાન્ઝાનિયા, માલાવી, મોઝામ્બિક, કેનેડા, ઑસ્ટ્રેલિયા અને બ્રાઝિલ હોવાથી પશ્ચિમ એશિયાની સીધી અસર નથી પડી અને પુરવઠા સામેના જોખમો મર્યાદિત છે.