Tue Jun 02 2026

Logo

PM મોદીની અપીલની અસરઃ ગુજરાત સરકારે કોઈ ઠાઠમાઠ વિના એનાયત કર્યા નિમણૂક પત્રો!

2026-06-02 19:55:00
Author: Devayat Khatana
Article Image

ગાંધીનગર: તાજેતરમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પેટ્રોલ-ડીઝલની બચત, સોનું નહિ ખરીદવા, વિદેશ પ્રવાસ ટાળવા, સરકારી કાર્યક્રમોના ખર્ચ ઓછો કરવા સહિતની અપીલો કરી હતી. આ અપીલોને ગુજરાત સરકારે અપનાવી છે. રાજ્યપાલ, મુખ્ય પ્રધાન સહિત નેતાઓ અને અધિકારીઓએ કાફલામાં ગાડીઓની સંખ્યા ઘટાડી છે, જાહેર પરિવહનનો ઉપયોગ સહિતની શરૂઆત કરી છે. ત્યારે હવે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં નવી નિમણૂંક મેળવી રહેલા યુવાઓને ગાંધીનગરમાં  કોઈ ઠાઠ-માઠ કે મોટા ખર્ચા વિના સાદગી પૂર્ણ સમારોહમાં નિમણૂંક પત્રો એનાયત કર્યા હતા. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં દેશવાસીઓને કરેલી અપિલનો પ્રતિસાદ આપીને ગુજરાત સરકારે આ નિમણૂંક પત્ર વિતરણ અન્વયે ગાંધીનગરમાં પ્રતિક રૂપે 21 યુવાઓને નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર રાજ્યભરના 415 યુવાઓ ખેતી મદદનીશ તરીકે પસંદગી પામ્યા છે તેમને ઈ-મેઈલ દ્વારા નિમણૂંક પત્રો પહોંચાડવામાં આવ્યા હતા. આમ તો સામાન્ય રીતે સરકાર નિમણૂંક પત્રો એનાયત કરવા માટે ભવ્ય કાર્યક્રમ યોજતી હોય છે, જ્યારે હવે સાદગીથી જ આ કાર્યક્રમનું આયોજન કરીને એક નવી રાહ ચીંધી છે. 

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારમાં નવા જોડાઈ રહેલા આ યુવા વર્કફોર્સને પ્રેરણા આપતા કહ્યું કે, વર્તમાન વૈશ્વિક સ્થિતિમાં આત્મનિર્ભરતા માટે ખાતરનો ઓછો ઉપયોગ અને પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને વાળીને અનેક લોકોને સ્વાસ્થ પ્રદ જીવનનો મોટો લાભ આપવાની ઈશ્વરીય તક તમને મળી છે. PM  મોદીએ ખાતરની અછતના પરિપ્રેક્ષમાં આયાત ઘટાડવા, પ્રાકૃતિક ખેતી અપનાવવા અને કાયમી રીતે આત્મનિર્ભર થવાની જે અપિલ કરી છે તેને વધુને વધુ ખેડૂતો સુધી પહોંચાડવાનું દાયિત્વ નવનિયુક્ત યુવાઓના શિરે છે. 

તેમણે યુવા ઉમેદવારોને આ અવસરને તક તરીકે ઝડપી લેવાનું આહવાન કરતાં કહ્યું કે, તેમની લાંબી કારકિર્દીની શરૂઆતમાં જ જે સેવા તક મળી છે તેને કાર્યપદ્ધતિમાં વૈવિધ્યતા, ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ અને પોતાની જાતને સતત અપગ્રેડ કરતા રહીને ખેડૂતોને મદદરૂપ થવાની નૈતિક જવાબદારીરૂપે યુવા ઉમેદવારો સુપેરે અદા કરે.